દેવભૂમિ દ્વારકા જિલ્લામા ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ના અસરકારક અમલીકરણ માટેની બેઠક યોજાઈ

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ના અસરકારક અમલીકરણ કરવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે કલેકટર શ્રી જી.ટી.પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ મામલતદારશ્રીઓ અને સંબંધિત અધિકારીઓને યોજનાના સફળ અમલીકરણ માટે માર્ગદર્શન આપ્યુ હતુ.જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ક્રિષ્ના સોલંકીએ તાલુકાઓના સુપરવાઈઝર અને સંકળાયેલ સ્ટાફને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજના લગત કામગીરીની વિગતવાર સમજ આપી હતી.
નોંધનીય છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”દ્વારા પૌષ્ટિક અલ્પાહાર (ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્નમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી) અપાનાર છે.





