PANCHMAHALSHEHERA

જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત કરાવી લાઈવ જીવામૃત બનાવી ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન અપાયું

 

ગોધરા:-

નિલેશભાઈ દરજી શહેરા

*પંચમહાલ, શુક્રવાર ::* પંચમહાલ જિલ્લાના ખેડુતોને રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રીક્તા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે સંપૂર્ણ માહિતી મળી રહે અને સ્થળ પર જ ખેડુતોને મુઝવતાં પ્રશ્નોનુ નિરાકરણ મળી રહે તે હેતુસર સમગ્ર રાજ્યના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે ગોધરા તાલુકામાં ઓરવાડા ગ્રામ પંચાયત મેદાન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ-૨૪ નું આયોજન કરવામાં આવેલ હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જણાવ્યું કે કૃષિ મહોત્સવ મારફતે ખેડૂતોએ અપનાવેલ આધુનિક વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ડબલ ડીજીટમાં કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે.

વધુમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મીંગ,મિક્ષ ફાર્મીંગ, પ્રાકૃતિક કૃષિ જેવી પદ્ધતિઓ વિશે તથા નવી પેઢીના ખાતરો જેવા કે, નેનો યુરિયા, નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજી, ટકાઉ ખેતી પદ્ધતિ સુક્ષ્મ પિયત પધ્ધતી વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપ્યું તથા ખેડૂતોને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું

આ કાર્યક્રમમાં પંચમહાલનાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કૃષિ વિષયક વિવિધ ખાતાના ૧૫ સ્ટોલનું રીબીન કાપી પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ તથા FPO ની કામગીરી અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ વ્યકત કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના બનાસકાંઠા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનાં જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વે નિહાળ્યું હતું.

કાર્યક્રમ બાદ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત કરાવી લાઈવ જીવામૃત બનાવી ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન ફાર્મની મુલાકાત સાથે મોડલ ફાર્મના ખેડુત સંચાલક દ્વારા પૂરું પાડવામાં આવેલ જેનો ખેડૂતો દ્વારા બહોળાં પ્રમાણમાં લાભ લેવામાં આવ્યો છે.

આ મહોત્સવમાં તાલુકા પ્રમુખ સુશ્રી રંજનબેન રાઠોડ, તાલુકા વિકાસ અઘિકારી શ્રી ડી.કે. ગરાસીયા, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અરવિંદસિંહ પરમાર ,જીલ્લા તથા તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓ, ઓરવાડા ગામના સરપંચશ્રી, નોડલ ઓફિસર મદદનીશ બાગાયત નિયામકશ્રી યોગેશભાઈ ખાંટ, પશુપાલન અધિકારી શ્રી, કૃષિ વૈજ્ઞાનિકો, ખેતીવાડી વિભાગના અધિકારી તથા કર્મચારીગણ, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મના સંચાલકો અને મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

**********

Back to top button
error: Content is protected !!