નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરવામાં આવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈએ ચીખલી તાલુકા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો જેમાં તંદુરસ્ત સમાજ’ના નિર્માણ માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, સરકાર ખેડૂતોની પડખે છે માતૃભૂમિને બચાવવા પ્રમુખ પરેશભાઈ દેસાઈએ ખેડૂતોને આહવાન કર્યું..
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનના વિવિધ પાકો માટે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ, પ્રાકૃતિક ખેતી તેમજ કૃષિલક્ષી-ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગેની સમજ આપવાના ઉદ્દેશ્યથી રાજ્યભરના ૨૪૬ તાલુકાઓમાં આયોજીત દ્વિ-દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ’ અંતર્ગત આજે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈએ ચીખલી તાલુકા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સરકારના હૈયે ખેડૂતોનું હિત વસેલું છે તેમ જણાવી પરેશ દેસાઈએ ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક સફળ પહેલ કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ખેડૂતોને વિવિધ કૃષિ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સોઇલ હેલ્થ કાર્ડ જેવી મહત્વની અને અસરકારક પહેલ બદલ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી જમીનની ફળદ્રુપતા બચાવવા પ્રાકૃતિક કૃષિ સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું જણાવ્યું હતું. બિમાર જમીન અને પશુની ચિંતા પણ આ સરકારે કરી હોવાનું કહી તેમણે વધારે પાક લેવાની લ્હાયમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને ચેતવ્યા હતા તેમજ રાસાયણિક ખેતીના દુષ્પરિણામો જણાવી પ્રાકૃતિક કૃષિ માટે સંકલ્પબદ્ધ કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે, જેથી ખેડૂતોનો સર્વાંગી વિકાસ કરી શકાય તેમ જણાવી શ્રી દેસાઈએ રવિ કૃષિ મહોત્સવ થકી ખેડૂતોના આંગણે સામેથી અધિકારીઓ આવી માર્ગદર્શન આપતા હોવાનું કહ્યું હતું.
તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલે વિકસિત ખેડૂત થકી વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સહયોગ આપવા માટે ખેડૂતોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વર્ષ-૨૦૦૫ માં હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આધુનિક કૃષિ પદ્ધતિના ઉપયોગથી ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમથી આરંભેલા રવિ કૃષિ મહોત્સવના મીઠા ફળ મળી રહ્યા હોવાનું મક્કમતાથી જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વિવિધ કૃષિ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલ અને બાગાયતી ખેત પેદાશોના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
ચીખલી તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં જિ. પં., નવસારીની જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી બાલુભાઈ પાડવી, ખેત-ઉત્પાદન સહકાર, સિંચાઈ અને પશુપાલન સમિતિના અધ્યક્ષશ્રી નિકુંજકુમાર પટેલ, ચીખલી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી દમયંતીબેન આહિર, ચીખલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, ચીખલી તા. પં. ની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી, પ્રાંત અધિકારીશ્રી સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ખેતીવાડી અધિકારી સહિત કૃષિ વિભાગના અધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.





