જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીની ઉપસ્થિતિમાં દેડીયાપાડાના વેરાઈ માતા મંદિર પ્રાંગણમાં રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪નો કાર્યક્રમ યોજાયો,
બે દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં ખેડૂતો ભાગ લઈ કૃષિ લક્ષી માહિતી મેળવી શકશે,
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા : ડેડીયાપાડા
દેડીયાપાડા તાલુકા મથકે વેરાઈ માતા મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોમાં રવિ પાક માટેની નવી ટેકનોલોજી, પાક ઉત્પાદન અને સક્ષમ ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવા અને તેઓને માર્ગદર્શન પૂરૂં પાડવાનો હતો.
આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતોએ રવિ પાક માટે યોગ્ય ખાતર, બિયારણ અને ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે સાથે ખેતી માટે વિવિધ સહાય યોજનાઓની જાણકારી અને સરકાર દ્વારા મળતી સહાય વિશે વિગતવાર ચર્ચા સાથે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
ખેડૂતો માટે આ પ્રકારના કાર્યક્રમોથી નવી તકનીકી વિશે સમજણ મળવા સાથે ખેતીને વધુ ફાયદાકારક બનાવવા પ્રેરણા મળે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. કૃષિ લક્ષી વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સ્થળે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરી ખેડૂતોને માહિતી પુરી પાડી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય સોમાભાઈ વસાવા, પ્રાંત અધિકારી ધવલભાઈ સંગાડા, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.