Jasdan: જસદણમાં વિવિધ પ્રશ્નોના નિકાલ અંગે બેઠક યોજાઈ

તા.૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
બાકી પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અને લોકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓના લાભો પહોંચાડવા સૂચના
Rajkot, Jasdan: રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ તાલુકા સેવા સદન ખાતે વિવિધ પ્રશ્નોના નિકાલ અંગે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મંત્રીશ્રીએ વિવિધ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરી હતી. અને બાકી પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સૂચના આપી હતી. એટલું જ નહીં, જનસુખાકારી માટે કેન્દ્ર તેમજ રાજ્યની અનેકવિધ યોજનાઓ અમલી છે ત્યારે લોકોને આ સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા પણ તેમણે સંબંધિતોને સૂચના આપી હતી.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પહેલી ઓગસ્ટે જસદણમાં વિવિધ કાર્યક્રમો બાદ તાલુકા સેવાસદન પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમના વિભાગોના પડતર પ્રશ્નોની સ્થિતિ જાણી હતી. જેમાં જસદણ શહેરના પી.જી.વી.સી.એલ, પાણી, ગામતળ, આવાસના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. પ્રશ્નોના નિકાલમાં જે કંઈ અવરોધ આવે તેનો વિવિધ વિભાગોને સંકલનમાં રહીને નિકાલ કરવા મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. મહત્ત્વનું છે કે, ખેડૂતો તેમજ ગરીબ લાભાર્થીઓ માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે. આથી આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળે તેના પર મંત્રીશ્રીએ ભાર મુક્યો હતો.
આ બેઠકમાં જસદણ પ્રાંત અધિકારી સુશ્રી ગીષ્મા રાઠવા, જસદણ તાલુકા મામલતદાર શ્રી એમ.ડી. દવે, જસદણ તાલુકા વિકાસ અધિકારી શ્રી કે. આર. ચુડાસમા, વિંછિયા મામલતદાર શ્રી આર.કે.પંચાલ, વિંછિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર, અગ્રણી શ્રી ભાવેશભાઈ વેકરીયા, પીજીવીસીએલ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




