GUJARATJASDALRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ તાલુકાના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ

તા.૬/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

પ્રાકૃતિક ખેતી અપનાવવા, ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવવા ખેડૂતોને આહવાન

Rajkot, Jasdan: ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી રાજ્યમાં છઠ્ઠી ડિસેમ્બરથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આજે જસદણના તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો આરંભ થયો હતો.

જસદણમાં આઠમજી લુકમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ, સ્પોર્ટસ કલબ ગ્રાઉન્ડ, વિંછીયા રોડ ખાતે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી શ્રી કુંવરજીભાઈએ આજે સવારે આ કૃષિ મહોત્સવનો આરંભ કરાવતા સૌ ખેડૂતોને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. આ સાથે રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અપાતા મહત્ત્વપૂર્ણ જ્ઞાન-માર્ગદર્શનનો લાભ ઉઠાવવા પણ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ખેતી તથા ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તેમાં પણ ખેડૂતોને જોડાવા તેમણે આહવાન કર્યું હતું.

આ તકે અહીં પશુપાલન વિભાગ દ્વારા બે દિવસ માટે પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈજેશનના સ્ટોલ સહિતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!