GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

2025 સાલ સુધી માં દેશને ટીબી મુક્ત કરવાના વડાપ્રધાનના સંકલ્પને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે.

૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવ્યો

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

આજરોજ સાર્વજનિક સ્કુલ, મહેસાણા ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) યોજાયો હતો. મંત્રીશ્રીએ ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ ટીબી સારવાર મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ સૂત્રને સાર્થક કરવા અને વર્ષ 2025 માં દેશને ટીબી મુક્ત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પદાધિકારીઓ દ્વારા તેમના ક્ષેત્રમાં ટીબીના દર્દી અને તેમના કુંટુબીજનોનો સંપર્ક કરી તેમણે દવા લીધી કે નહીં અને તેમને અપાતી સારવાર અંગે જો ટ્રેકિંગ રાખવામાં આવશે તો પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારતના સંકલ્પને આપણે ઝડપથી સાકાર કરી શકીશું.

મંત્રીશ્રીએ આરોગ્ય વિભાગના કર્મીઓને દર્દીઓનું સતત ફોલોઅપ લેવા માટે તાકીદ કરતા કહ્યું કે જો ટીબીગ્રસ્ત દર્દી અને તેમના પરિવારજનોનું સતત ટ્રેકિંગ રાખવામાં આવશે તો મહેસાણા જિલ્લો ઝડપથી ટીબી મુક્ત જિલ્લો બની જશે.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ટીબીના દર્દી સાથે સહજ સંવાદ સાધી તેમને અપાતી સારવાર વિશે જાણકારી મેળવી હતી તેમજ એનજીઓના પ્રતિનિધિ સાથે વાત કરી જિલ્લામાં ટીબીના દર્દીને આપવામાં આવતી પોષણ કીટ વિશે પણ જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયકે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક લોકોને આરોગ્ય વિષયક સવલતો મળી રહે તે માટે તત્પર છે, અને જો વ્યસન મુક્તિ અભિયાન ગ્રામ્ય સ્તર સુધી અસરકારક બનશે તો ટીબી જેવા રોગોથી પણ ઝડપથી મુક્ત થઈ જઈશું અને સ્વસ્થ ભારત સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરી શકીશું.

આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ટીબી મુક્ત દેશ માટે 100 દિવસની સઘન ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જો ટીબીના દર્દીની નિયમિત સારવાર કરવામાં આવે અને પૌષ્ટિક આહાર લેવામાં આવે તો ટીબી રોગ મટી શકે છે. વધુમાં તેમણે આયુષ્યમાન ભારત યોજનાની વિશ્વ સ્તરે નોંધ લેવામાં આવી છે તેમ પણ ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજને જણાવ્યું હતું કે, દેશમાં પોલિયો નાબૂદી અભિયાનને જેવી રીતે સફળતા મળી અને દેશ પોલિયો મુક્ત બન્યો તેવી રીતે ક્ષય નિર્મૂલન કાર્યક્રમને પણ ગ્રામ્ય સ્તર સુધી લઈ જઈને ટીબીના દર્દીમા યોગ્ય સારવાર માટેની જાગૃતિ લાવવામાં આવશે તો આ ટીબી રોગથી પણ મુક્ત થઈ જઈશુ.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ક્ષય નિર્મૂલન કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય વિભાગના કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ દર્દીઓને નિક્ષય કીટની સહાય આપનાર ટ્રસ્ટ, એન.જી.ઓ. અને દાતાશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કિરીટ કુમાર પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી સરદારભાઈ ચૌધરી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી મિહિલભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મહેશ કાપડિયા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. અંજુબેન, આરોગ્ય વિભાગના અધિકારી /કર્મચારીઓ, ટ્રસ્ટ/એનજીઓના પ્રતિનિધિઓ તેમજ ટીબીના દર્દી અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!