જામનગરના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને પોરબંદર કોર્ટે દોષમુક્ત કર્યા

પોરબંદરની કોર્ટે ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને વર્ષ 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું છે કે ‘ફરિયાદ પક્ષ પાસે આ કેસ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.’ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શનિવારે (સાતમી ડિસેમ્બર) પોરબંદરના તત્કાલીન પોલીસ અધિક્ષક (એસપી) સંજીવ ભટ્ટને આઈપીસીની કલમો હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે, ‘ફરિયાદ પક્ષ આ કેસમાં શંકા સિવાય કશું સાબિત કરી શક્યું નથી.’ ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે તેની કબૂલાત મેળવવા માટે તેને જેલમાં ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. નારણ જાદવ નામની વ્યક્તિની ફરિયાદના આધારે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા. જાદવ વર્ષ 1994ના હથિયાર જપ્તીના કેસમાં 22 આરોપીઓમાંનો એક હતો. પોરબંદર પોલીસની એક ટીમ પાંચમી જુલાઈ 1997ના રોજ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર જાદવને પોરબંદરમાં સંજીવ ભટ્ટના ઘરે લઈ ગઈ હતી. જાદવને તેના શરીરના વિવિધ ભાગો અને પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈલેક્ટ્રીક શોક આપવામાં આવ્યા હતા. પુરાવાના આધારે કોર્ટે 31મી ડિસેમ્બર 1998ના રોજ કેસ નોંધવાનું કહ્યું હતું અને સમન્સ જારી કર્યું હતું. 15મી એપ્રિલ, 2013ના રોજ કોર્ટે સંજીવ ભટ્ટ અને અન્ય એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.
પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને અગાઉ 1990માં જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસ આજીવન કેદ અને વર્ષ 1996માં પાલનપુરમાં રાજસ્થાનના વકીલને ફસાવવાના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાલ તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે.


