AAP ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક FIR, તમારી જેલો મોટી કરી દેજો, અમે જેલ ભરો આંદોલન કરવા આવી રહ્યાં છે : આપ MLA

સમીર પટેલ, ભરૂચ
પરવાનગી વગર સભા અને રેલી યોજવા બદલ ઝગડીયા પોલીસે ગુનો નોંધ્યો
પાગપાડા રેલી રાજપારડીથી ઝઘડિયા સુધી યોજી હતી
રાજ્ય ધોરીમાર્ગ પર અવરોધ ઉભો કરવા સામે કાર્યવાહી
નર્મદા જિલ્લા AAP પ્રમુખ, ઝઘડિયા તાલુકા પ્રમુખ સહિત 70 લોકોની સામે ગુનો
રાજપારડીથી ઝઘડિયા 10 કિમી પરવાનગી વગર રેલી કાઢવા બદલ આપ ધારાસભ્ય સહિત 70 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમનો અવાજ દબાવવા ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો સુર વ્યકત કરી આગામી દિવસોમાં જેલભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ખરાબ માર્ગો, ભ્રષ્ટાચાર, બરોજગારી સહિતના મુદ્દે દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગત 3 ડિસેમ્બરે પગપાળા રેલી યોજી હતી. રાજપારડી થી ઝઘડિયા સુધી 10 કિમીની રેલી પરવાનગી નહિ હોવા છતાં યોજતા ઝઘડિયા પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે.
આપ ધારાસભ્ય, નર્મદા જિલ્લા અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ સાથે 70 લોકો સામે રાજ્યધોરી માર્ગને અવરોધવા, ટ્રાફિકમાં અડચણ ઉભી કરવા પરવાનગી વગર લાઉડ સ્પીકર સાથે રેલી યોજવા બદલ ફરિયાદ દાખલ કરાઈ છે.
આપ ધારાસભ્ય પર ફરિયાદ દાખલ થતા તેઓએ તંત્ર દ્વારા તેમનો અવાજ દબાવવા આ કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. રેલી અંગે જિલ્લા કલેકટર, પોલીસ અને તંત્રની પરવાનગી માંગવામાં આવી હતી. જોકે પરવાનગી અપાઈ ન હતી.
પોલીસે તેમનો અવાજ દબાવવા ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે. જેની સામે આગામી દિવસમાં જેલને ખાલી રાખવાનો પોલીસને પડકાર ફેંકી તેઓ જેલભરો આંદોલન કરવા આવી રહ્યા હોવાની પણ ચીમકી આપી છે.




