Rajkot: મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક મલ્ટીપલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

તા.૯/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સી.બી.સી., સુગર, કોલેસ્ટ્રોલ, પ્રોટીનના બ્લડ રીપોર્ટસ, ઈ.સી.જી., એક્સ-રે સહિતના ફિટનેસ ટેસ્ટ કરાયા
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સહભાગી થયા
Rajkot: પત્રકારત્વ ક્ષેત્રે નિરંતર વ્યસ્ત કામગીરી વચ્ચે સતત માનસિક તણાવ સાથે કામગીરી કરતા પત્રકાર મિત્રોની આરોગ્યની ખેવના રાજ્ય સરકાર સેવી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિદર્શનમાં રાજ્યભરમાં પત્રકાર મિત્રો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેના ઉપક્રમે રાજ્ય સરકાર અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે ગત તા. ૨૭ નવેમ્બરના રોજ મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી અને ડેન્ટલ સહિતના સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતાં, તેમજ રિપોર્ટના આધારે જરૂરી પ્રિકોશન અંગે તબીબ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે પ્રિન્ટ તેમજ ઈલિક્ટ્રોનિક મીડિયા સાથે બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયેલા હોઈ વ્યવસ્થાના ભાગ રૂપે બાકી રહી ગયેલા મીડિયાકર્મીઓ માટે બીજા તબક્કાના કેમ્પનું ખાસ આયોજન ગઈકાલ ૮ ડીસેમ્બર – રવિવારે હાથ ધરવામાં આવ્યું હતું.
આ આયોજન હેઠળ બીજા તબક્કામાં આશરે ૭૫ થી વધુ પત્રકાર મિત્રો હેલ્થ કેમ્પમાં સહભાગી થયા હતાં જેઓના બ્લડ ટેસ્ટમાં સી.બી.સી., સુગર, કોલેસ્ટ્રોલ, પ્રોટીનના ડીટેઇલ્ડ રિપોર્ટ્સ ઉપરાંત ઈ.સી.જી. અને ચેસ્ટનો એક્સ-રે અને દાંતની તપાસ પણ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં રેડક્રોસ રાજકોટ સંસ્થાના ચેરમેન શ્રી ડૉ.દિપક પટેલ, સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસિયા, નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદી, સર્વે સહાયક માહિતી નિયામકશ્રી, ઇલેક્ટ્રોનિક મીડિયા સંલગ્ન તંત્રીશ્રીઓ, રિપોર્ટર, પ્રતિનિધિ, કેમેરામેન જોડાયા હતા. અને આ કેમ્પનો લાભ લીધો હતો.






