દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સાયબર સેફ્ટી અને મહિલા સુરક્ષા યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૫ નવેમ્બર (મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી દિવસ) થી તા.૧૦ ડિસેમ્બર(માનવાધિકાર દિવસ) સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતીગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષીને વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા અધિકારી ડો.ચંદ્રેશકુમાર ભાંભીના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં એલ.એમ.પી.શાળા ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાયબર સેફ્ટી અને મહિલા કલ્યાણકારી અને સુરક્ષાલક્ષી યોજનાઓ વિશેના આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે તેમજ મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓ જેવી કે મહિલા હેલ્પલાઇન ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર, પોલિસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર વિશે તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ યોજનાકીય પેમ્ફલેટ વિતરણ કરીને જાગૃતિ ફેલાવવામાં આવી હતી.






