NAVSARINAVSARI CITY / TALUKO

Navsari:બે વર્ષથી ઘરથી વિખૂટી પડેલી મનોદિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતું નારી સંરક્ષણ કેન્દ્ર,ચીખલી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા બે વર્ષથી ઘરથી ભૂલી પડેલી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ અને મૂક મહિલાનું પરિવાર સાથે મિલન કરાવીને પ્રશંસનીય કામગીરી કરી છે.

આજથી બે વર્ષ પહેલા નવસારી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશરે ૩૫ વર્ષીય પરિણીતાને આ નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા. આશ્રિત મહિલા મનોદિવ્યાંગ અને મૂક હોવાથી તેમના પરિવાર વિશે જાણકારી મેળવવી અઘરી હતી. આમ છતાં, નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી આશ્રિત બહેનના પરિવારની શોધખોળ આરંભવામાં આવી હતી. અથાગ મહેનત પછી આશ્રિત બહેનના કૌટુંબિક મિત્ર સાથે ટેલિફોનિક સંપર્ક થતા તેમના પરિવાર અને વતનની માહિતી મળી હતી. આશ્રિત મહિલા મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આશ્રિત મહિલાના પરિવારજનોએ વર્ષ-૨૦૨૨ માં રાયગડ જિલ્લાના પેણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

વિશેષ વાત એ છે કે, આશ્રિત મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ મહારાષ્ટ્રથી નવસારી આવી શકે તેમ ન હતા. જેથી નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા પેણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમની મદદ લીધી હતી. આમ, નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ અને પેણ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આશ્રિત મહિલાને તેમના પરિવાર સુધી સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.

બે વર્ષ પહેલા ગુમ થયેલા સ્વજનને સલામત જોઈને આશ્રિત મહિલાના પરિવારે ખૂબ જ લાગણીભર્યા શબ્દોથી નારી સંરક્ષણ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર અને પેણ પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધના આવા ભગીરથ કાર્ય માટે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે એ પ્રશંસા કરી હતી. પેણ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધના મેનેજર ભાવિનાકુમારી આહિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, નવસારી જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્રમાં પીડિત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, માનવ તસ્કરીનો ભોગ બનેલી ૧૮ થી ૫૯ ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત શૈક્ષણિક, આરોગ્યલક્ષી, બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ અને સામાજિક અને ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કાઉસિલિંગ કરી બહેનનું પરિવારમાં યોગ્ય પુન:સ્થાપન થાય તે હેતુથી બહેનને પ્રવેશ અને પુન:સ્થાપનની કામગીરી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!