ANANDUMRETH

કઠલાલનો સરકારી વકીલ વચેટિયાઓ સાથે રાખીને ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયો.

તસ્વીર : કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ : કઠલાલ

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલી સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા વકીલે કરોડોની જમીનમાં દાનત બગડી હતી. તેણે ફરિયાદી એવા ખેડૂતની તરફેણમાં મનાઈ હુકમ કરાવી આપવા માટે ૫૦ લાખની લાંચ માંગી હતી. ૨૦ લાખ રૂપિયા પહેલા અને બાકીના નાણાં મનાઈ હુકમ આવી ગયા બાદ આપવાની ડીલ થઈ હતી. જોકે, ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી પોલીસની ટીમે અમદાવાદ ખાતે છટકું ગોઠવી આ વકીલ સાથે બે વચેટિયાને નાણાં સ્વીકારતા રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ પરી છે.

કઠલાલ તાલુકાના મીરજાપુર ગામે આવેલી કરોડોની જમીન એક ખેડૂતે વેચાણ બાનાખતથી ખરીદેલી હતી. જમીન બાબતે કઠલાલ સિવિલ કોર્ટમાં સામેવાળાઓ વિરુધ્ધ મનાઈ હુકમ મેળવવા માટે દાવો કરેલો છે. તે દાવામાં ખેડૂતની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી (રહે. યુનીક સિટી હો, ચાક્યપુરી ઘાટલોડીયા, અમદાવાદ), મેટ્રો કોર્ટના વકીલ સુરેશ કુમાર પ્રહલાદભાઈ પટેલ (વચેટીયા) (રહે.નરોડા) અને વિશાલ કૌશીકભાઈ પટેલ (વચેટીયા ) (રહે.નરોડા)એ ફરિયાદી પાસે રૂપિયા ૫૦ લાખની લાંચની માંગણી કરી હતી. તે પૈકી ૨૦ લાખ પહેલા આપવાનું અને બાકીના રૂપિયા મનાઈ હુકમ મળી ગયા બાદ આપવાનું નક્કી થયું હતું. ખેડૂત પોતે આ લાંચ આપવા માંગતા ન હોવાથી અમદાવાદ એ.સી. બીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આથી ગતરોજ મંગળવારે એસીબી પોલીસે લાંચના છટકાંનું આયોજન કર્યું હતું. આરોપીઓએ ખેડૂતને અમદાવાદ નરોડા ખાતેની મામલતદાર કચેરીની બહારની બાજુ ઝેરોક્ષ દુકાન પાસે બોલાવ્યા હતા. જ્યાં મેટ્રો કોર્ટના વકીલ સુરેશ કુમાર પ્રહલાદભાઇ પટેલ (વચેટીયા) (રહે, નરોડા) અને વિશાલ કૌશીકભાઈ પટેલ (વચેટીયા ) (રહે.નરોડા)એ બંને આ નાણાં ખેડૂત પાસેથી સ્વીકારતા રંગેહાથે ઝડપાયા હતા. જ્યારે કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી પણ નજીકથી પોલીસના સકંજામાં આવી ગયો હતો. અમદાવાદ એસીબી પોલીસે ત્રણેય સામે લાંચ રૂશ્વતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં લાંચના રૂપિયા ૨૦ લાખ પણ રીકવર કર્યા છે.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી વતી મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલ સુરેશ પટેલ અને ખાનગી માણસ વચેટિયો વિશાલ પટેલ પૈસા લેવા આવ્યા હતા. આથી આ બંને માણસો રાજેન્દ્ર ગઢવી માટે વહીવટદાર તરીકે કામ કરતા હતાં. વિવાદાસ્પદ જમીનના એક કેસમાં તરફેણમાં હુકમ કરવા બદલ રૂ. 50 લાખની માંગણી કરનારા સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીએ તેમના કાર્યકાળ દરમિયાન આ રીતે સંખ્યાબંધ ઓર્ડર કરાવ્યા હોવાની આશંકા એસીબીની ટીમે નકારી નથી. જોકે, ટ્રેપમાં પકડાતાની સાથે જ એસીબીની ટીમોએ રાજેન્દ્ર ગઢવી તેમજ સુરેશ પટેલ અને વિશાલ પટેલના ઘરે સર્ચ શરૂ કર્યું હતું. અને પોલીસે આ મામલે રિમાન્ડ લેવાની તજવીજ પણ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!