ભરૂચમાં સેફ્ટી વગર 65 ફુટ ઉંચી ટાંકીનું કલરકામ કરતા જોવા મળ્યાં, સુપરવાઈઝરે કહ્યું- ‘કઈ થઈ જાય તો મરી જાવાના શું કરવાનું’
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકાની ડુંગરી વિસ્તારની પાણીની ટાંકીના કલર કામગીરી કરતાં બે કામદારો જીવના જોખમે કામગીરી કરતાં કેમેરામાં કેદ થયા છે. સેફટી વિશે ત્યાં રહેલા સુપરવાઈઝરને પૂછતાં તેણે કઈ થઈ જાય તો મરી જાવાના શું કરવાનું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. આ અંગે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પાલિકા કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠી છે. બીજી તરફ પાલિકાએ હાલ કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને સેફ્ટી સાથે કામગીરી કરવા સૂચના આપી છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ડુંગરી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી વર્ષ 2020માં જર્જરિત હાલતમાં હોય વહેલી સવારે તૂટી પડતાં તેની નીચે બાંધેલા એક ઘોડો અને પશુ પણ દબાઈ ગયા હતા. જેથી તેના મોત નિપજ્યા હતા. ત્યારબાદ બે વર્ષ બાદ અંદાજીત એક કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ટાંકીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. હાલમાં ટાંકીની કામગીરી પૂર્ણતાના આરે છે અને તેની કલરની કામગીરી ચાલી રહી છે. પરતું આ કલરની કામગીરી કરતાં શ્રમિકો પોતાના પટેનું વેઠ માટે જીવના જોખમે કલર કામગીરી કરી રહ્યા છે. તે લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો ઉતારી રહેલા શખ્સે જ્યારે ત્યા હાજર રહેલા સુપરવાઈઝરને શ્રમિકોની સેફટી અને સુરક્ષા અંગે પૂછતાં તેણે કઈ થઈ જાય તો મરી જાવાના શું કરવાનું તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો તે પણ કેમરામાં રેકોર્ડ થઈ ગયો હતો.
આ મામલે ભરૂચ વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ ટાંકીની કામગીરી બાબતે અનેક વખતે પાલિકાના લાગતા વળગતા અધિકારીને જાણ કરી છે. તેમ છતાંય તેમના તરફથી સુપરવિઝનની કામગીરી કરાતી નથી. વધુમાં આજે સેફ્ટી વગર ટાંકીનું કલર કામગીરી કરતા બે શ્રમિકોના વાયરલ વીડિયો અંગે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે સેફ્ટી વગર કામગીરી કરતા શ્રમિકોને કઈ પણ થાય તો તેની જવાબદારી નગરપાલિકાના અધિકારીઓની રહેશે.
આ અંગે ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ પાસે નગરપાલિકા ખાતે નિવેદન લેવા પહોંચતા તેઓ પાલિકામાં હજાર મળ્યા ન હતા. ત્યારબાદ તેઓનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ ફોન પણ ઉઠવ્યો ન હતો. જોકે, ત્યારબાદ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલનો ટેલીફિનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને બોલાવી સેફ્ટી સાથે જ કામગીરી કરવા સુચનાઓ આપી છે.