Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવામાં ૨૨ નવી સીએનજી બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા ૭ જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું

તા.૧૩/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ ખાતેથી રૂ. ૭૯૩.૪૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. શહેરના રેસકોર્સ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને વિકસિત ગુજરાત@ ૨૦૪૭ના રોડ મેપમાં રાજ્ય સરકારે સુદ્રઢ શહેરી વિકાસનું વિઝન રાખ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન દાયિત્વ કાળમાં દેશમાં ઈઝ ઓફ લિવિંગ અને હેપ્પીનેસ ઇન્ડેક્સમાં સતત વૃદ્ધિ થઈ છે. વડાપ્રધાનશ્રીની “ગુડ ગવર્નન્સ”ની પ્રણાલીને સર્વગ્રાહી વિકાસથી આગળ ધપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૪૭ સુધીમાં રાજ્યની ૭૦% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે ત્યારે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો ધ્યાનમાં રાખીને વિકાસનું આયોજન કરવામાં આવે છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા પીએમ એવાય આવાસ ફાળવણી ડ્રોનાં અવસરે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
તેમણે રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવામાં ૨૨ નવી સીએનજી બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા ૭ જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં રૂ. ૨૨૪.૨૬ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૫૬૯.૧૯ કરોડના વિકાસકામોના લોકાર્પણ કર્યા હતા.
તેમણે આ પ્રસંગે ઉમેર્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધતા જતા શહેરીકરણના પડકારને વિકાસ અવસરમાં પલટાવીને શહેરી જનજીવન સુખાકારી માટે બજેટ વધાર્યું અને નાણાના અભાવે કોઈ વિકાસ કાર્ય અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. રાજ્યનું શહેરી વિકાસ બજેટ કે જે વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ. ૭૫૦ કરોડ હતું તે આજે વધીને રૂ. ૨૧,૬૦૦ કરોડથી વધુનું થયું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે એક સમયે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં જે પાંચ-પચીસ લાખના બજેટ બનતા ત્યાં હવે એક જ દિવસમાં કરોડો રૂપિયા વિકાસકામો માટે અપાઈ રહ્યા છે.
રાજ્ય સરકારે પાછલા ત્રણ જ વર્ષમાં રાજકોટ મહાનગરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને ફ્લાયઓવર બ્રિજ માટે કુલ અંદાજે રૂ. ૯૭૦ કરોડની ફાળવણી કરી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્માર્ટ સિટીને શોભે તેવા ૧૪ લાખ આવાસોના નિર્માણ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર બન્યુ છે ત્યારે આજે રાજકોટના આંગણે વધુ ૧૨૨૦ આવાસો લાભાર્થી પરિવારોને ફાળવવા માટેનાં અવસરમાં સહભાગી બનવા માટે મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત દેશનું આર્થિક પાટનગર બની રહ્યું છે, ત્યારે રાજકોટ શહેરનો પણ રાજ્યના અન્ય શહેરોની જેમ વિકાસ કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટ શહેરને આઇકોનિક સીટી તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની નેમ છે તેમ જણાવતા તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને રાજકોટને ઇકોફ્રેન્ડલી અને પ્રદૂષણમુક્ત બનાવવા પણ સૌને આગ્રહભેર અનુરોધ કર્યો હતો.
મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ડબલ એન્જિનની સરકારે રાજકોટના વિકાસને હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપી છે, જેના પ્રતાપે આજે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ બન્યું છે. અટલ સ્માર્ટ સિટીના નિર્માણથી નાગરિકોને અધતન સુવિધાઓ પ્રાપ્ત થશે, તેમ મેયરશ્રીએ ઉમેર્યુ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ ભેટ કરી આવકાર્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમીન ઠાકરે સ્વાગત પ્રવચન કર્યુ હતું, જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ પ્રાસંગિક પ્રવચનમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે સ્માર્ટ સિટી અને અટલ સરોવર અંગેની ટૂંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ પ્રસારિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દિવ્યાંગ પેરાસ્વિમરશ્રી નીતિબેન રાઠોડને રૂ. ૫૧ હજારનો ચેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતર્ગત નિર્માણાધીન ૧.૫ બીએચકેના ૧૨૨૦ આવાસોની ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી લાભાર્થી પરિવારોને મુખ્યમંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસની ચાવી સોંપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીસર્વશ્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને શ્રી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, અગ્રણીશ્રીઓ શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડિયા, શ્રી માધવભાઈ દવે, શ્રી રાજુભાઈ ધ્રુવ સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.







