GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું

તા.૧૩/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રૂ. ૩૬ કરોડના ખર્ચે ૧૪ હજાર ચો. મી.માં ‘સ્ટેટ ઓફ ઘ આર્ટ’ અત્યાધુનિક સુવિધાસભર જિલ્લા પંચાયત કચેરી નિર્માણ પામશે

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભૂમિપુજન તેમજ તકતી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું. હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને જિલ્લા પંચાયત કચેરીના અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ નવા ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કેબિનેટ મંત્રી સર્વેશ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે રૂ. ૩૬.૧૭ કરોડના ખર્ચે ૧૪ હજાર ચો.મી. બાંધકામમાં વિવિધ કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમનું સ્ટેટ ઓફ ધ આર્ટ એવું નવું ભવન ચાર માળનું બનશે. કેમ્પસમાં સીસી રોડ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આરોગ્ય વિભાગનો સ્ટોર, કેન્ટીન, અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ વોટર ટેંક, ટેરેસમાં ચાઇનામોજેક વોટરપ્રૂફિંગ, વિટરીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ સહિત અધ્યતન ભવન નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.

આ તકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ મોમેન્ટો તેમજ જિલ્લા પંચાયતની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યો સર્વેશ્રી ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર, અગ્રણીઓ સર્વે શ્રી ડો. ભરતભાઈ બોઘરા, અલ્પેશભાઈ ઢોલરીયા,કારોબારી સમિતિના ચેરમેન પી.જી. કયાડા, વિવિધ સમિતિઓના પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, કલેકટર શ્રી પ્રભવ જોશી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.નવનાથ ગવ્હાણે સહિત વરિષ્ઠ અઘિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!