આણંદ જિલ્લાની આસોદર ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન
આણંદ જિલ્લાની આસોદર ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન
તાહિર મેમણ – ૧૯૫ થી વધુ કાચા -પાકા મકાનો, પતરાના શેડ, લારી ગલ્લાના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાઈ
તાહિર મેમણ – આણંદ – 16/12/2024 – જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે અન્વયે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની આસોદર ચોકડી ઉપરના રસ્તાની આર.ઓ.ડબલ્યુ મુજબના સરકારી જમીન પરના આસોદર ચોકડી ઉપરના રેખાની નિયંત્રણ ધારાનો ભંગ કરેલ હોય તેવા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવાર થી જ આસોદર ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશમાં ૦૮ જેટલા ટ્રેક્ટર, ૦૪ જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના ૨૫ જેટલા લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જેના ફળ સ્વરૂપે આસોદર ચોકડી ખાતેના ૧૯૫ થી વધુ દબાણો દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે.
આસોદર ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં બોરસદ પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, આકલાવના મામલતદાર શ્રી સોમભાઈ પટેલ, પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી દીયોરા, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, જી એસ આર ડી સી ના અધિકારીઓ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી – કર્મચારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.