
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં ચાલતા નવા જૂના તમામ હોસ્પિટલો ક્લીનિકો, લેબોરેટરીઓ અને દવાની દુકાનોનું 100% વેરીફીકેશન કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે એ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી.તેમજ ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ મુદ્દો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લો 98% આદિવાસી વસ્તી ધરાવતો પ્રદેશ છે. આ જિલ્લામાં વિશેષ કરીને ત્રણ તાલુકા આહવા, વઘઈ અને સુબીરના અમુક મુખ્ય મથક / ગામો ને બાદ કરતા મોટા ભાગના ગામોમાં ગરીબ ભોળી ખેતીકામ છૂટક મજૂરી કરનારી પ્રજા રહે છે.અને આ લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણુ ઓછું જોવા મળે છે.ગુજરાત રાજ્યમાં મેડિકલ ક્ષેત્રને કલંક લગાવનાર ” ખ્યાતિ હોસ્પિટલ ” જેવા ઘણા બીજા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ હોસ્પિટલે આચરેલ એવા હેલ્થ કેમ્પો ડાંગ જિલ્લામાં ફ્રી મેડિકલ ચેક-અપના નામે અવાર નવાર જિલ્લા બહારની હોસ્પિટલ મારફત થતા હોવાનું જાણવામાં આવેલ છે.જેથી ભવિષ્યમાં “ખ્યાતિ હોસ્પિટલ” જેવી અન્ય કોઈ હોસ્પિટલ ડાંગની ભોળી જનતાને ન ભરમાવે તેની ખાસ તકેદારી રાખવા સાથે જિલ્લાના ત્રણેય તાલુકાની લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં બોગસ ડિગ્રી વાળા કે ડિગ્રી વગરના બની બેઠેલા ડૉક્ટરો પ્રેકટીસ કરી રહ્યા છે. ત્યારે તેમની વિરૂદ્ધ સખત કાયદાકીય પગલા લેવામાં આવે અને ડાંગ જિલ્લામાં ચાલતા નવા જૂના તમામ હોસ્પિટલો ક્લીનિકો, લેબોરેટરીઓ અને દવાની દુકાનો નું 100% વેરીફીકેશન કરવામાં આવે જેથી કરીને કોઈપણ પ્રજાજનોના જીવ સાથે રમત ના રમી શકે.આ સાથે જ રાજ્યમાં ચાલી રહેલ કુખ્યાત BZ કંપની જેવી પોન્ઝી સ્કીમ ચલાવતી ઘણી બધી કંપનીઓનો પણ ડાંગમાં રાફડો ફાટયો છે.જેમાં લોભામણી લાલચ આપી ટુંકા સમયમાં નાણા ડબલ કરવાની બ્લોક ચેઈન સિસ્ટમ જેવી ફ્રોડ સ્કિમો અને આવી પોન્ઝી સ્કિમના એજન્ટો બન્યા છે.જે બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસી નેતા સ્નેહલ ઠાકરે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી.સાથે આ મુદ્દાને સ્વાગત નિવારણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે..




