મુંબઈ- ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટને પલ્ટી, 3 ના મોત

મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે. બોટમાં 80 મુસાફરો સવાર હતા. આ ઘટના બપોરે 3.55 કલાકે બની હતી. અકસ્માત બાદ 77 લોકોને બચાવી લેવાયા છે. મળતી માહિતી મુજબ, બોટ તેજ ગતિએ જઈ રહેલી એક નાની હોડી સાથે અથડાઈ હતી. જેના કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ.
કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલનથી નૌકાદળ તરફથી બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. નૌકાદળની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ તેમજ 4 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં જોડાતાં 77 લોકોને બચાવી લેવાયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બોટ મુંબઈ નજીક ‘એલિફન્ટા’ ટાપુ તરફ જઈ રહી હતી, પરંતુ તે ઉરણ નજીક પલટી ગઈ. બોટ દુર્ઘટના બાદ નૌકાદળ, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જે બોટ સાથે અકસ્માત સર્જાયો તેનું નામ નીલકમલ હતું.



