પરિવર્તિત યુગમા નવા પડકારોને પહોંચી વળવા ગ્રાહક આત્મ નિર્ભર બને

આપણા દેશમા ૨૪ ડિસેમ્બર ૧૯૮૬ના ગ્રાહક સુરક્ષા અધિનિયમને લાગુ કરવામાં આવ્યો હતો. જેની મહત્તા જળવાઇ રહે તે સારુ ભારતમાં દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. જેના ઉપક્રમે આ દિવસની ઉજવણી હેઠળ ગ્રાહક જાગૃતિ અને શિક્ષણ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) ના પ્રયાસોથી તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સિધ્ધાર્થ લો કોલેજ, ગાંધીનગર ખાતે એક સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત સંસ્થાના પારા લીગલ વોલ્યુન્ટીયરસ (PLV) તરીકે સ્વૈચ્છિક અને માનદ સેવાઓ આપતા શ્રી અનિલ કક્કડ ખાસ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના સંબોધનમા કોલેજના આચાર્ય, શૈક્ષણિક અધિકારીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતમા શ્રી કક્કડએ ખોરાક, ઔષધ, સૌંદર્ય પ્રસાધનો, તબીબી ઉપકરણો, હોસ્પિટલો, દૈનિક જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓ, ઘર ગથ્થુ ઇલેકટ્રીક સાધનો વિગેરેને લગતા કાયદાઓ, નિયમો, જોગવાઇઓ અને તેને સબંધી તકરારોમા બહાર પડેલ કોર્ટ ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો. આજના વૈશ્વીકરણના યુગમા આર્થિક સુધારાઓ સામે વિદેશી મુડી રોકાણ સારા એવા પ્રમાણમા વધવા પામ્યુ છે. પરિણામ સ્વરુપ આપણી સમક્ષ દિવસે દિવસે અનેક નવી ઘટનાઓ આકાર લઇ રહી છે. જેને એક પડકાર તરીકે ગણી યુવા પેઢીને ગ્રાહક તરીકે તેની સામે આત્મ નિર્ભર અને સુસજ્જ થવા શ્રી કક્કડએ નમ્ર અપીલ કરી હતી.






