
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વઘઇ ખાતે આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી લાખોના ઘઉંના જથ્થા સાથે જ ટ્રક ગાયબ થતા પુરવઠા વિભાગ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો..
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી લાખો રૂપિયાના ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક અચાનક ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી છે.આ રીતે ઘઉંના જથ્થા સાથે ટ્રક ગાયબ થઈ જતા અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.તેમજ અધિકારીઓની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે.ડાંગ જિલ્લાનાં વઘઈ – આહવા રોડ ઉપર આવેલ વઘઈ સરકારી ગોડાઉન સામે રોડ ઉપર ટાટા કંપનીનો ગાડી રજી. નં. GJ -15-AV-3033 માં અનાજ (ઘઉં) 50 કિગ્રાના 500 કટ્ટા ભરેલ હતા.જેનું કુલ વજન 25,380 કિગ્રા જેની કિંમત રૂપિયા 13,70,520/- હોય, જોકે આ ટ્રક પછીથી આ જથ્થા સાથે જ ગાયબ થઈ ગઈ હતી. ત્યારે અહીં રૂપિયા 13,70,520/- નો ઘઉં નો જથ્થો અને ટ્રક જેની કિંમત રૂપિયા 15 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 28,70,520/- નો મુદ્દામાલ સરકારી ગોડાઉન પાસેથી રાત્રિના સમયે રોડ પરથી ગાયબ થઈ જતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. કારણ કે આ પ્રકારે ગોડાઉનમાંથી ટ્રક અને જથ્થો ગાયબ થયો તો શું અનાજની કાળા બજારી કરવામાં આવી રહી છે ? આ રીતે અનાજનો જથ્થો ગાયબ થયો તો આમાં પુરવઠા વિભાગનાં અધિકારીઓ કે વાહન કોન્ટ્રાક્ટરોની પણ સંડોવણી છે કે કેમ ? કે પછી આ પ્રકારે અગાઉ પણ આ રીતે ટ્રક કે અનાજનો જથ્થો ગાયબ થયેલ હોય પણ હાલમાં જ આ પ્રકારની ઘટના સામે આવી છે ? તેમજ સરકારી ગોડાઉન પાસેથી આમજ અનાજનો જથ્થો ગાયબ થઈ જાય તે કેટલા અંશે યોગ્ય કહી શકાય ? તેમજ અહીં અધિકારીઓ અને ગોડાઉન મેનેજરની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.જોકે આ સમગ્ર મામલાને લઈને વઘઇ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.ત્યારે આ મામલે યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે તસ્કરોએ સાપુતારા પોલીસ મથકનાં ગામડાઓમાં ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવ્યો હતો.તેવામાં વઘઇ ખાતેથી ભેજાબાજ તસ્કરો આખીને આખી ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ચોરી જતા પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે..





