GUJARATLODHIKARAJKOT CITY / TALUKO

Lodhika: લોધિકાના વિરવા ગામે બે હજાર ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો હટાવાયા

તા.૨૭/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આશરે રૂ. બે કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

Rajkot, Lodhika: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારશ્રીની રાહબરીમાં આજે વિરવા ગામે આશરે બે હજાર ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે દબાણ હટાવીને આશરે રૂપિયા બે કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વિરવા ગામમાં સરકારી ખરાબાની રેવન્યુ સ.નં.૭૧ ની આશરે ૨૦૦૦ ચો.મી. જમીનમાં અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. આથી જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ તથા ૨૦૨ હેઠળ તમામ દબાણદારોને અગાઉ નોટીસ બજવણી કરવામાં આવી હતી અને સરકારી જમીન પરનો અનઅધિકૃત કબ્જો ખુલ્લો કરી આપવા જણાવવામાં આવ્યું હતું.

આ દબાણ આજદિન સુધી દૂર થયા ના હતા. આથી જિલ્લા કલેક્ટરશ્રીની સુચના તથા પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ, લોધીકા મામલતદારશ્રીએ આજરોજ વિરવા ગામે દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી. જે અંતર્ગત આશરે રૂ. બે કરોડની કિંમતની આશરે ૨૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન પરનું દબાણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરાવ્યું હતું. સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!