
સમીર પટેલ, ભરૂચ
પોલીસ, DISH અને જીપીસીબીએ તપાસ શરૂ કરી
કંપનીએ ઘટનાની જિલ્લા તંત્રને 6.30 કલાક સુધી જાણ ન કરી
કંપનીએ મૃતકોના પરિવારજનોને વળતર તરીકે પ્રારંભિક ₹25 લાખ આપવાની તૈયારી દર્શાવી
ભરૂચ જિલ્લાના દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લીકેજના કારણે 4 કામદારોના મોતની ઘટના પ્રકાશમાં આવી છે.
ડિસેમ્બરના અંતમાં ભરૂચ જિલ્લામાં વધુ એક ઔદ્યોગિક અકસ્માત સર્જાયો. દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપનીમાં શનિવારે રાત્રે પ્રોડક્શન ચાલી રહ્યું હતું.
પ્રોડક્શન વિભાગમાં આવેલા ફ્લોરો મિથાઈલ પ્લાન્ટ CMSના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી રિસાઈકલ કોલમની ટોપ કન્ડેન્સર પાઈપલાઈનમાં અચાનક લીકેજ થયું. પાઇપલાઇનમાં 3 ગેસ મિથાઈલ ફ્લોરાઈડ, સીટી ક્લોરોફોર્મ અને એચસીએલ વરાળનું મિશ્રણ હતું. પાઇપલાઇનમાંથી આ ત્રણેય ગેસ લીકેજ થતાં ત્યાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી.
ગેસની આત્યંતિક અસરને કારણે કંપનીના કર્મચારી રાજેશ મગણાદીયા અને 3 કોન્ટ્રાક્ટ કામદારો મહેશ નંદલાલ, સૂચિત પ્રસાદ, મુદ્રિકા યાદવ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા.
આ ઘટનામાં અન્ય હાજર કામદારોમાં નાસભાગ મચી. બેભાન થઇ ગયેલા ચાર કામદારોને કંપનીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં ચારેય કામદારોના મોત નિપજ્યા.
રાત્રે 9.30 વાગ્યે થયેલા અકસ્માતમાં કંપનીએ 6.30 કલાક સુધી પ્રશાસનથી ઘટનાની માહિતી છુપાવી. રવિવારે વહેલી સવારે 4 કલાકે દહેજ મરીન પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, જિલ્લા તંત્રને જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઇ.
ચાર કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં એસડીએમ મનીષા માનાની, દહેજ મરીન પોલીસ માથકના પીઆઈ બી.એમ. પાટીદાર અને કંપનીના એચઆર ડીજીએમ આવી પહોંચ્યા.
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને જીપીસીબીની ટીમ દહેજની કંપનીમાં પહોંચી તપાસ શરૂ કરી. કંપનીએ મૃતકના પરિવારને ₹25 લાખની પ્રારંભિક ચુકવણી કરવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં ડિસેમ્બરની શરૂઆતમાં અંકલેશ્વર જીઆઈડીસીની ડીટોક્સ કંપનીમાં બ્લાસ્ટ થતાં 4 કામદારોના મોત થયા હતા અને આજે મહિનાના અંતે વધુ 4 કામદારોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.



