વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આરટીઈ એક્ટ-૨૦૦૯ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાત આરટીઈ રુલ્સ-૨૦૧૨ નિયમ-૫ મુજબ જ્યાં બાળકના ઘરથી પ્રાથમિક શાળાનું અંતર ૧ કિ.મી. થી વધુ અને ઉચ્ચ પ્રાથમિક શાળાનું અંતર ૩ કિ. મી. થી વધુ હોય તેવા બાળકોને ટ્રાન્સપોર્ટ સુવિધાનો લાભ મળવાપાત્ર છે.સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે. વિદ્યાર્થીના રહેણાંકથી ૫ કિ.મી થી વધુ અંતર આવેલ સૌથી નજીકની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. નિયમોનુસાર વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારી પ્રાથમિક શાળા અને સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. આ સુવિધા માટે વાહન મુકવા માટે કોમર્સિયલ વાહન અને ફૂલ વીમો ધરાવતા વાહન ચાલકોએ પોતાની ઉમેદવારી નોંધાવવા સંલગ્ન સરકારી પ્રાથમિક અને સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.