ખુરશી સાચવવા સરકારમાં માત્ર આંગળી ઉંચી કરનારા સ્થાનિક નેતાઓને થપ્પડ : ભરૂચના હિત માટે તો બોલો …!
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ અને અંકલેશ્વરની ટવીન સીટી બનાવવાની વાત 15 વર્ષ બાદ પણ સાકાર થઇ નથી તેવામાં સ્થાનિક નેતાઓ ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં પણ સદંતર નિષ્ફળ રહયાં છે.ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજજો અપાવવામાં સ્થાનિક નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે. ગાંધીનગરમાં સત્તાસ્થાને બેઠેલા નેતાઓ તેમના જિલ્લાઓની પાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં સફળ રહયાં છે પણ ભરૂચના નેતાઓ માત્ર રજૂઆત કરી છે તેમ કહી સંતોષ માણી રહયાં છે.
2025ના પ્રથમ દિવસે 9 નગરપાલિકાને મહા નગરપાલિકા બનાવી દેવામાં આવી છે પણ ભરૂચની બાદબાકી થતાં ભરૂચની નેતાગીરી માટે શર્મજનક કહી શકાય તેમ છે. 2011થી ભરૂચ મહાનગર પાલિકા બને તે માટેના પ્રયાસો ચાલી રહયાં છે અને સરકારમાં ચારથી વધુ વખત દરખાસ્ત પણ કરાઇ છે તેમ છતાં ભરૂચ હજી પણ પાલિકા જ રહી છે. ભરૂચ જિલ્લામાંથી સરકારને સૌથી વધારે આવક થઇ રહી હોવા છતાં ભરૂચને કેમ નજર અંદાજ કરવામાં આવી રહયું છે તેવા સવાલના જવાબો સ્થાનિક નેતાઓ પાસે પણ નથી. નગરપાલિકાનું વાર્ષિક બજેટ 168 કરોડ રૂપિયાનું છે.
ઉદ્યોગોના કારણે શહેરનો વિકાસ એકદમ ઝડપથી થઇ રહયો છે અને આસપાસના ગામડાઓ પણ હવે શહેરો જેવા બની રહયાં હોવા છતાં ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવતી નથી. શહેરની વસતી હાલ 2.25 લાખની છે. અગાઉ આસપાસના ગામોને જોડીને મહાનગરપાલિકા બનાવવાની વિચારણા હતી પણ તે પણ અભરાઇએ ચઢી ગયું છે. સ્થાનિક નેતાઓ દર વખતે ગાંધીનગરની ડેલીએ ટકોરા દઇને પાછા આવે છે પણ પરિણામ લાવવામાં નિષ્ફળ રહયાં છે. હાલ ભરૂચમાં 11 વોર્ડ અને 2.25 લાખની વસતી છે. પાંચ ધારાસભ્યો અને એક સાંસદ હોવા છતાં તેઓ ભરૂચને મહાનગર પાલિકા બનાવી શકયાં નથી.
10 શહેરોને ટવીનસિટી બનાવવાનુંઆયોજન હતું
ગુજરાત સરકાર અમેરિકાના ન્યુયોર્ક-ન્યૂજર્સીના ધોરણે 10 શહેરોનો વિકાસ કરવા માગતી હતી . અમદાવાદ અને ગાંધીનગરને ટ્વીન સિટી બનાવવા વિશાળ મેટ્રોપોલીટન ઓથોરિટી રચવામાં આવી હતી. ઉપરાંત પ્રભાસ પાટણ-સોમનાથ, સુરેન્દ્રનગર-વઢવાણ, ભરૂચ-અંકલેશ્વર અને સુરત-નવસારીનો ટ્વીન સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શહેરોમાં પોષાય તેવી વાહન વ્યવહાર વ્યવસ્થા, મકાનો તથા ભીડ વગરના પહોળા રસ્તાઓ સહિતની વ્યવસ્થાઓ કરવાનું આયોજન હતું.
પાલિકામાં કયા ગામડાઓ જોડવાની વિચારણા હતી ?
ઓસારા, લુવારા, થામ, મનુબર, કંથારીયા, ઉમરાજ, ચાવજ, વડદલા, હલદરવા, તવરા, રહાડપોર, દહેગામ, હિંગલોટ, દશાન, કુકરવાડા, શેરપુરા, નંદેલાવ, ભોલાવ, ઝાડેશ્વર, પગુથણ, અસુરિયા અને કવિઠા. જે તે સમયે આ ગામોની વસતી 1.20 લાખથી વધુ લોકોની હોવાનું દર્શાવાયું હતું.
વહીવટી કારણ જવાબદાર હોઇ શકે છે
ભરૂચને મહાનગરપાલિકા કેમ બનાવવામાં આવતી નથી તેની ખબર નથી. વહીવટી કે અન્ય કારણ હોય શકે છે. મહાનગરપાલિકા માટે અમારા તરફથી વારંવાર રજૂઆતો તેમજ દરખાસ્ત કરવામાં આવી છે. મહાનગરપાલિકા બનાવવા માટે ફરીથી અમે રજૂઆત કરીશું. > રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય, ભરૂચ
આ ખૂબ દુખદ બાબત ગણી શકાય
ભરૂચમાં વિકાસ ઝડપથી થઇ રહયો છે. બૌડાની પણ રચના કરી દેવામાં આવી છે. નવી ટીપી સ્કીમો જાહેર થઇ ચુકી છે. સરકારમાં વારંવાર રજૂઆત છતાં હજી મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવતો નથી તે દુખદ બાબત છે. > દુષ્યંત પટેલ, માજી ધારાસભ્ય, ભરૂચ