MADAN VAISHNAVJanuary 2, 2025Last Updated: January 2, 2025
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- વાંસદા/ડાંગ
આજનાં ટેક્નોલોજીનાં યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમ સામે ડાંગ જિલ્લા પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લા પોલીસે છેલ્લા બે મહિનામાં 294થી વધુ સાયબર ક્રાઈમની ફરિયાદો નોંધીને તપાસ કરી હતી.આ તપાસના પરિણામે પીડિતોને કુલ 3,92,636 રૂપિયા પરત આપવામાં ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ અને જિલ્લા પોલીસને સફળતા મળી છે.ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ અને સાઇબર ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ.વી.કે.ગઢવીએ સાયબર ક્રાઈમની લડાઈમાં સફળતા મેળવી છે.ડાંગ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આહવા દ્વારા આ કામગીરી સંપન્ન કરવામાં આવી છે.ત્યારે ડાંગ જિલ્લામાં આઇડેન્ટિટી ફ્રોડ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ જેવા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ નોંધાયા છે. આવા કિસ્સામાં, જિલ્લા પોલીસે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું, અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ પર વિશ્વાસ ન કરવો અને પોતાની અંગત માહિતી કોઈને શેર ન કરવી,અજાણ્યા વ્યક્તિ દ્વારા શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાની ઓફરોથી દૂર રહેવું, શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે માત્ર લીગલ સાઈટનો ઉપયોગ કરવો,સોશિયલ મીડિયા પર આવતી લલચાવનારી ઓફરોથી દૂર રહેવું,સોશિયલ મીડિયા પ્રોફાઈલને પ્રાઈવેટ રાખવી, કોઈપણ વ્યક્તિને પોતાના અંગત ફોટા કે વિડીયો શેર ન કરવા, કોઈપણ સંજોગોમાં બેંક એકાઉન્ટના OTP કે ATM કાર્ડની માહિતી કોઈને શેર ન કરવી વગેરે સૂચનાઓ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવેલ છે.તેમજ જો સાયબર ક્રાઈમનો શિકાર બન્યા હોવ તો તાત્કાલિક 1930 હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.ડાંગ જિલ્લા પોલીસની આ કામગીરીથી સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં નવી ઉર્જા મળી છે. આ સાથે જ જિલ્લાના નાગરિકોને સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવા પણ પ્રયાસ થઇ રહ્યા છે.આજરોજ ડાંગ પોલીસ વિભાગે 3.92 લાખ પીડિતોને પરત અપાવતા આ પીડિતોએ ડાંગ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો..