પત્નીના શરીર પર પતિ માલિકી હકનો દાવો ન કરી શકે : હાઈકોર્ટ

કપલનો અંતરંગ વીડિયો શેર કરવાનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ચર્ચાની એરણે આવ્યો હતો. આ કેસની સુનાવણી કરતાં અલ્હાબાદ હાઈકોર્ટના જજે એવું કહ્યું કે પતિઓ વિક્ટોરિયન યુગની જૂની માનસિકતા છોડી દે અને સમજે કે પત્નીનું શરીર, ગોપનીયતા અને અધિકાર તેના પોતાના છે અને પતિના નિયંત્રણ અથવા માલિકી હેઠળ નથી. પતિ પાસેથી તેની પત્નીના વિશ્વાસ અને વફાદારીનું સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
હાઈકોર્ટે એવું પણ કહ્યું કે પતિ-પત્ની વચ્ચેના અંતરંગ સંબંધોનો વીડિયો શેર કરવો એ આંતરિક ગોપનીયતાનું ઉલ્લંઘન છે જે બંને વચ્ચેના બંધન માટે મહત્વપૂર્ણ છે. કાયદાની દ્રષ્ટિએ આવું કરવું ગુનો પણ છે.
આ કેસમાં પતિ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતી વખતે કોર્ટે આ અવલોકનો કર્યા હતા કે પત્નીની જાણ અને સંમતિ વિના ગુપ્ત રીતે ઘનિષ્ઠ કૃત્યોનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને પછી તેને ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો અને પછી પત્નીના પિતરાઈ ભાઈ દ્વારા શેર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટનું એવું પણ કહેવું છે કે ફેસબુક પર પ્રાઈવેટ વીડિયો અપલોડ કરીને અરજદારે વૈવાહિક સંબંધોની પવિત્રતાનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે.




