NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના રૂ. ૪૫ કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી તાલુકાના નાગધરા ગામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળના નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરીને ખેડૂતોને મોટી ભેટ આપી છે. રૂ. ૪૫ કરોડથી વધુના ૨૨ કામોનું ખાતમુહૂર્ત કરી મંત્રી શ્રી પટેલે ઈ-તકતીનું અનાવરણ કર્યું હતું. આ કામોથી નવસારી અને વલસાડ જિલ્લાની ૪૭૮૦ હેક્ટર જમીનને લાભ મળશે.

ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામજનોને નવા અંગ્રેજી વર્ષની શુભકામનાઓ પાઠવીને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રૂ. ૪૫ કરોડથી વધુના ખર્ચે નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી તાલુકાઓમાં અને વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં નહેર આધુનિકીકરણ અને નહેર સ્ટ્રક્ચરોના નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. ખેડૂતોનું હિત આ સરકારના હૈયે વસેલું છે, તેમ કહી મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, નહેર આધુનિકીકરણના કામો થવાથી પાણીનું લીકેજ/સીપેજ અટકશે સાથે જ છેવાડાના વિસ્તાર સુધીમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળશે તેમજ પાણીનો બચાવ થશે. તદુપરાંત નહેર સ્ટ્રક્ચરોના નવીનીકરણની કામગીરીથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને વાહનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે તેમજ અકસ્માતો પણ નિવારી શકાશે.

મંત્રી  પટેલે જનમેદનીને જળસંચયની તાકીદ કરી પાણીના સદ્ઉપયોગ અને જાળવણી માટે આહ્વાન કર્યું હતું. બદલાતા ક્રોપ પેટર્ન સાથે પાણીની જરૂરિયાત વધી છે અને આ જરૂરિયાત સંતોષવા માટે સરકાર સક્ષમ છે, તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રી શ્રીએ ખેડૂતોને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘કેચ ધ રેન’ અભિયાનને ઝીલી લેવા આગ્રહ કર્યો હતો. આ સાથે જ તેમણે ખેડૂતોને ટપક પદ્ધતિ સહિત પિયતની અતિ આધુનિક પદ્ધતિઓ અપવાનના આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ નહેરની મરામત અને જાળવણી થકી સિંચાઈની પરિસ્થિતિનો અનુભવ વર્ણવી ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા. ખાતમુહૂર્ત કરવામાં આવેલા તમામ કામો ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને ધારાસભ્યશ્રીએ પાણીના મહાત્મ્યને વર્ણવ્યું હતું તેમજ ખેડૂત કલ્યાણ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જણાવી હતી.

નાગધરા મુકામે આયોજીત ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, અગ્રણી શ્રી ભૂરાભાઈ શાહ, શ્રી જિજ્ઞેશભાઈ, નાગધરા પિયત સહકારી મંડળીના પ્રમુખ શ્રી મુકુંદભાઈ પટેલ, કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, ડીડીઓશ્રી પુષ્પલતા, અધિક ઈજનેર સચિવશ્રી આર. એમ. પટેલ, સુરતના અધિક ઈજનેર એસ. બી. દેશમુખ સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સહકારી ક્ષેત્રના સ્થાનિક અગ્રણીઓ, પિયત મંડળીઓના પદાધિકારીઓ, ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!