

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળીયાની પ્રાથમિક શાળાના ભુમી પૂજન થયાને ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાંય હજુ સુધી તેના કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી. પાલિકાના સતાધિશો શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતની ગંભીરતા સમજતા નથી જે ખેદ જનક બાબત છે.
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ આવેલી સમડી ફળીયાની પ્રાથમિક શાળાને નવી ઇમારત મળશે તેવી ગુલબાંગો હાંકી પાલિકાના સતાધિશોએ મોટા ઉપાડે ત્રણ વર્ષ પુર્વે ભુમી પૂજન કર્યું હતું. આટઆટલો સમય થયો છતાં હજુ આ શાળાની ઇમારત તૈયાર થઇ નથી.પાલિકાના સતાધિશોની અણઆવડતને કારણે આ શાળાના વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવુ પડી રહ્યું છે.
આ અંગે વિપક્ષી સદસ્ય રફીક ઝઘડીયાવાલાએ પાલિકાના સત્તાધીશોની આકરી ટીકા કરી હતી અને જે તે સમયના સત્તાધીશો અને હાલના આ વોર્ડના નગરસેવકોની ઉદાસીનતા પરત્વે નારાજગી વ્યક્ત કરી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોવાનું નિવેદન આપ્યું હતું.
આ અંગે નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, શાળાનું કામ પ્રગતિમાં જ છે. રૂ.1 કરોડનો ખર્ચે શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે, કેટલીક ટેક્નિકલ બાબતોના કારણે કામ મોડું થયું છે પણ આવનારા દિવસોમાં કામ પૂર્ણ થઈ જશે.




