ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસનો પદવીદાન સમારોહ: 84 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, રોબોટિક સર્જરીની જાહેરાત
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસનો પાંચમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે રાજ્યપાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 84 વિદ્યાર્થીઓને યુરોલોજી, નેફ્રોલોજી, બાળ ચિકિત્સા નેફ્રોલોજી અને ઍનેસ્થેસિયોલોજી માટેની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ડૉ. એચ.એલ. ત્રિવેદીના દ્રષ્ટિકોણ અને ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે આ સંસ્થાએ ભારતને વૈશ્વિક કક્ષાએ પ્રતિષ્ઠિત બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં પ્રગતિને વધાવતાં ડૉક્ટર્સને તેમની ક્ષમતા અને જ્ઞાનના પ્રયોગ દ્વારા સમાજસેવા માટે કાર્ય કરવાની શીખ આપી.
આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઘોષણા કરી કે ટૂંક સમયમાં કિડની એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રોબોટિક સર્જરી શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ નવા ડોક્ટર્સ માત્ર શૈક્ષણિક ડિગ્રી ન રાખે પરંતુ દેશના આરોગ્યમાં સુધાર માટે પ્રેરણાદાયક ભૂમિકા નિભાવે તે જરૂરી છે.
ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઈસ ચાન્સેલર પ્રાંજલ મોદીએ જણાવ્યું કે વર્ષ 2024માં 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારી કિડની ઇન્સ્ટીટ્યૂટ સરકારી સંસ્થાઓમાં દેશમાં પ્રથમ સ્થાને છે. તેમણે જણાવ્યું કે આ સંસ્થા ભવિષ્યમાં આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, સુનિતાબેન ત્રિવેદી, રજીસ્ટ્રાર કમલ મોદી સહિત વિવિધ પ્રતિનિધિ અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં ડૉક્ટર્સને તેમના પ્રદાન અને નૈતિક જવાબદારીના ભાવ સાથે પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.