GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

તા.૪/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-રાષ્ટ્ર નિર્માણના સંકલ્પમાં યુવાનોનું યોગદાન ખૂબ અગત્યનું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

દેશના વિવિધ રાજ્યોના યુવાનો ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્રભાવનાના ચરિત્ર ગુણોનું અધ્યયન રાષ્ટ્રકથાના માધ્યમથી કરી રહ્યા છે તે ગૌરવની બાબત

સદભાવ, સદાચાર અને સર્વ ધર્મ કલ્યાણ ભાવથી રાષ્ટ્રમાં એકતા મજબૂત બને છે-દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે: મુખ્યમંત્રીશ્રી

દેશ માટે શહીદ થયેલા વીરોમાંથી પ્રેરણા લઈ ગુલામીની માનસિકતામાંથી બહાર આવી રાષ્ટ્રની ઉન્નતિ માટે યોગદાન આપીએ-વડાપ્રધાનની સૌનો સાથ સૌનો વિકાસની વિભાવના દેશ માટે જીવીને -પરિશ્રમ કરીને સાકાર કરીએ

રાષ્ટ્ર પ્રેમ સાથે દેશની ઉન્નતિ -પ્રગતિ માટે યુવાનોમાં ચરિત્ર સાથેના ગુણો કેળવાય તે રાષ્ટ્રકથાનો ઉદ્દેશ્ય છે: સ્વામી ધર્મબંધુજી

મુખ્યમંત્રીશ્રીએ પ્રાંસલા સ્થિત રાષ્ટ્રકથામાં ભારતીય સેનાના શસ્ત્ર પ્રદર્શન અને શિબિરના ભોજનાલયની પણ મુલાકાત લીધી

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25 મી રાષ્ટ્રકથામાં સહભાગી થઈ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના નિર્માણની સંકલ્પ પીઠિકામાં અનેક યુવાનોનું યોગદાન છે. દેશના વિકાસ માટે યુવાનોમાં કૌશલ્ય વર્ધન થાય તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથાના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે માટે સ્વામી ધર્મબંધુજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા આ કાર્ય અંગે મુખ્યમંત્રીશ્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્ર કથા દ્વારા વિવિધ રાજ્યોના યુવાનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર વિકાસ અને શ્રેષ્ઠ નાગરિકના ચરિત્ર ઘડતરના ગુણોની કેળવણી લઈ રહ્યા છે તે અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ જણાવ્યું કે આપણે આઝાદીના અમૃત કાળથી શતાબ્દી તરફ ગૌરવભેર આગળ વધી રહ્યા છીએ .

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે રાષ્ટ્ર માટે- સમાજના વિકાસ માટે અને સર્વ ધર્મ સદભાવના સાથે આગળ વધવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે. સૌનું કલ્યાણ થાય એવી વિભાવનાથી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બને છે. વડાપ્રધાનશ્રીનો સૌનો સાથ સૌનો વિકાસ એ વિકાસ મંત્રમાં પણ યુવાનોનું યોગદાન છે.

દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સ્વાતંત્ર વીરોની શહાદત આપણને દેશ માટે જીવવાની -દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. આઝાદીના લડવૈયાઓ ની વિચારધારામાંથી આપણે પ્રેરણા લેવાની છે. રાષ્ટ્ર કથામાં મનોવૈજ્ઞાનિક- વૈજ્ઞાનિક અભ્યાસ સાથે આદર્શ યુવાનોનું નિર્માણ થાય તે માટે મહાનુભાવોનું જ્ઞાન મળી રહ્યું છે તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રકથામાંથી આપણને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાના ગુણ મળ્યા છે.

ભારત યુવાનોનો દેશ છે, ભારતની સૌથી મોટી શક્તિ યુવા શક્તિ છે, આ યુવા શક્તિને ઉજાગર કરવાનું કામ તથા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું મહત્તમ યોગદાન યુવા આપી શકે તે માટે ધર્મબંધુજી કથાના માધ્યમથી યુવાનોને પ્રોત્સાહિત કરે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આપણને ૧૧ સંકલ્પ આપ્યા હતા તેમાં સૌથી અગ્રેસર ગુલામીની માનસિકતામાંથી બહાર આવવાની વાત છે. વિકસીત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પાયા સમાન યુવાનોને હંમેશા આગળ રાખવાની વાત કરી છે.

આ પ્રસંગે સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર કથાનો ઉદેશ્ય દેશના યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, રાષ્ટ્રીય ભાવના, એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને શૈક્ષણિક, વૈજ્ઞાનિક તેમજ બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. દેશ વૈશ્વિક ફલક પર આગળ વધી રહ્યો છે. જે સંદર્ભે સ્વામીજીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમકાલીન હોવાનું આપણને ગૌરવ છે, એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુતા, સરળ સ્વભાવ અને સતત કામ કરવાની ધગશ ગુજરાતના વિકાસને આગળ ધપાવવાનું કામ કરે છે. આ ઉપરાંત ધર્મબંધુજીએ બાળ ઉછેર માટે મહત્વના ગુણ તેમજ સાયકોલોજીકલ, મેડિકલ, ઈમોશનલ તથા હેબિટ બ્રેઈન અને કોન્સિયસ બ્રેઈનનો અલગ-અલગ ઉંમરમાં પ્રભાવ વિશે વિસ્તૃત વાત કરી રાષ્ટ્ર કથાના ઉદેશ્ય, સંસ્થા દ્વારા થતા રાહતના કામો વગેરે વિશે માહિતી આપી હતી.રાષ્ટ્રકથામાં જુદા-જુદા રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

કાર્યક્રમની આભાર વિધિ કરતાં પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું પ્રગતિશીલ રાજ્ય છે, રાષ્ટ્ર શિબિરમાં વિદ્યાર્થીઓના રૂપે આવતીકાલનું ભારત અહીં છે. સ્વામી ધર્મબંધુજી દેશના જુદા જુદા સ્થળોમાં ફરીને નવા ભારતના નિર્માણ માટે પોતાનું જીવન વિતાવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ થઈ રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર જનકલ્યાણ તેમજ યુવા ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે તેમ કહ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે પ્રાંસલા ખાતે શિબિરાર્થીઓની તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી, આર્મ્ડ અને ઇન્ફન્ટરી ફોર્સ, હન્ડ્રેડ બટાલિયન રાઈફલ્સ અમદાવાદ, ઈન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શન ની મુલાકાત લઈને સેનાના જવાનોને શુભ કામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, એનડીઆરએફના કમાન્ડન્ટ શ્રી સુરીન્દરસિંગ, સીઆરપીએફના ડીઆઈજી શ્રી રાકેશસિંગ, વૈજ્ઞાનિક શ્રી સુનિલ સિંગ, શ્રી અર્જુનસિંગ, અગ્રણી શ્રી પ્રવીણભાઈ માકડીયા અને મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત રાજ્યથી આવેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!