
વડોદરા જિલ્લાના કલ્લા મુકામે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગર્લ્સ હોસ્ટેલની સંગે બુનિયાદ, બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ
ગરીબી દૂર કરવી હોય, સમાજ અને દેશને આગળ લાવવો હોય તો શિક્ષણ જ એક માત્ર ઉપાય : અલ્હાજ સૈયદ વાહિદ અલી બાવા
રાજપીપલા : જુનેદ ખત્રી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ૩૭ મી રક્તદાન શિબિર, ગર્લ્સ હોસ્ટેલની પાયાવિધી તેમજ બોયઝ હોસ્ટેલના નવા બનેલા ઓરડાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, આયુષબ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ૩૭ મી રકતદાન શિબિર યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. રક્ત એક એવી અમુલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખુબ જરૂરી બનતું હોય છે. કલા શરીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા આયુષ બ્લડ બેંક અને વડોદરા એસએસજી હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. અંદાજિત ૧૨૦ જેટલા રક્તદાતાઓએ રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી. ત્યારબાદ ગર્લ્સ હોસ્ટેલની હજરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના મુબારક હસ્તે પાયવિધી કરાઇ હતી. આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહિદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવસેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઇ અમદાવાદીનું સ્વાસ્થ્ય ના – દુરસ્ત હોઇ તેઓએ કાર્યક્રમને અનુલક્ષી એક સંદેશ પાઠવ્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે હું હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું. પરંતુ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના પ્રયાસોથી જે સેવાભાવી કાર્ય થઇ રહ્યું છે. તે કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે અને હું આપ સૌ વચ્ચે ઝડપથી સાજો થઇ જનસેવામાં હાજર થઈશ.
ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર હજરત સૈયદ વાહિદ અલી બાવા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કલા શરીફ ગામમાં ચાર મોટા કાર્યક્રમો થયા છે. જેમાં રક્તદાન શિબિર, ગર્લ્સ હોસ્ટેલની પયાવિધી, લિગલ ક્લિનિક અને બોયઝ હોસ્ટેલના બે ઓરડાનું ઉદઘાટન થયું છે. આજે અમારા માટે ખૂબ મોટો દિવસ છે. અહીંની જેટલી સેવાઓ છે તે પ્રજાજનો માટે છે. અમે હંમેશા એવું જ ઈચ્છીએ છીએ કે કોઇ સમાજને કોઇ જ્ઞાતિને કોઈ દેશને આગળ લાવવો છે સુધારો લાવવો છે તો તે શિક્ષણ છે. જે સમાજ જે સમુદાય શિક્ષિત હોય તો સોના પર સુહાગા થઇ જાય છે એ સમુદાય પણ પ્રગતિ કરે છે. એ દેશ પણ પ્રગતિ કરે છે અને એ પરિવાર પણ પ્રગતિ કરી જાય છે.મારી નજરમાં ગરીબીને દૂર કરવાનો એક જ માર્ગ છે એ છે શિક્ષણ. સમગ્ર કાર્યક્રમને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી બશીર પટેલ, ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો, ફૈઝ યંગ સર્કલના ઉત્સાહી યુવાનો, યુવતીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો






