Rajkot: રાજકોટ જિલ્લાના ૧૬ ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી
તા.૬/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મનરેગા અંતર્ગત જોબકાર્ડ, ૧૦૦ દિવસ રોજગારી વિષે માર્ગદર્શન અપાયું
Rajkot: મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત દર માસના પ્રથમ શનિવારને રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે. વસ્તાણીના માર્ગદર્શનમાં “મહાત્મા ગાંધી નરેગા યોજના” ગ્રામ્ય કક્ષાએ કામની માંગની સચોટ નોંધણી કરવા અને “મનરેગા યોજનામાં” શ્રમિકો – કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના ૧૬ ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રોજગાર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગ્રામજનો, શ્રમિકોને મનરેગા યોજના અને વિવિધ કામો વિશે વિશેષ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ગ્રામજનોને વિવિધ યોજનાકીય માહિતી જેવી કે જોબકાર્ડ, ૧૦૦ દિવસની રોજગારી, વિવિધ કામોની શક્યતાઓ અને કામનું આયોજન જેવી બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મનરેગા યોજનાના કામોની ચર્ચા તથા રજુ થયેલ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આગામી દર માસના પ્રથમ શનિવારે રોજગાર દિવસ તરીકે બાકી ગામોમાં ઉજવણી કરાશે.
આ કાર્યક્રમોમાં ગ્રામ પંચાયત પ્રમુખ, સરપંચ, તલાટી, ગ્રામ રોજગાર સેવક મેટ, સ્વ સહાય જૂથ ફેડરેશનના સભ્યો, સામાજિક ઓડીટ ટીમ, તાલુકા રિસોર્સ પર્સન અને વિલેજ રિસોર્સ પર્સન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.