ગાંધીધામ ખાતે ભારતીય માનક બ્યુરો ફાઉન્ડેશન ડેની ઉજવણી કરાઇ.
સ્ટાન્ડર્ડ કાર્નિવલના આયોજનમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો, વિદ્યાર્થીઓ તથા નાગરિકો સહભાગી થયા
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૦૮ જાન્યુઆરી : ગાંધીધામ શાખા દ્વારા તાજેતરમાં મૈત્રી હાઈસ્કૂલ, આદીપુર (કચ્છ) ખાતે “સ્ટાન્ડર્ડ કાર્નિવલ” યોજવામાં આવ્યો હતો. ભારતીય માનક બ્યુરો ( BIS ) ફાઉન્ડેશન ડેની ઉજવણી નિમિત્તે આયોજિત “સ્ટાન્ડર્ડ કાર્નિવલ” કાર્યક્રમનો હેતુ દૈનિક જીવનમાં ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતામાં ધોરણોની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવાનો તથા તેના મહત્વને સમજાવીને ભાવિ પેઢીને પ્રેરણા આપવાનો હતો. ઉપરાંત આ કાર્યક્રમના માધ્યમથી વિવિધ ક્ષેત્રોના ભાગીદારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ધારાસભ્યશ્રી શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેમજ વિશેષ અતિથિ તરીકે શ્રી ગાંધીધામ મૈત્રી મંડળના ઉપપ્રમુખશ્રી એ.જી. દરયાણી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા અને ડૉ. અશ્વિનસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.કુલ ૨૨ વિવિધ ઉદ્યોગોએ વિવિધ ક્ષેત્રોમાં તેમના ઉત્પાદનો રજૂ કરીને ધોરણોના પ્રાયોગિક ઉપયોગ પર પ્રકાશ પાડતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. ઉપરાંત ૦૩ સ્થાનિક શાળાઓ અને ભુજની સરકારી પૉલિટેક્નિક પોતાના નવીન વૈજ્ઞાનિક મોડલ્સ અને રોબોટિક્સ સાથે ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રવૃત્તિઓએ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રોડક્ટના સ્ટાન્ડર્ડના મહત્વને પ્રાયોગિક અને મનોરંજક રીતે સમજાવવાની અનોખી તક પ્રદાન કરી હતી.આ કાર્નિવલની મોટી સંખ્યામાં નગરવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં કચ્છ જિલ્લાની ૨૫ જેટલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.