અમદાવાદના તાલુકાઓમાં ‘પોષણ ઉત્સવ 2024’ સફળતાપૂર્વક યોજાયો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ, માંડલ, ધોળકા, સાણંદ, વિરમગામ અને ધંધુકા તાલુકામાં સેજા કક્ષાનો ‘પોષણ ઉત્સવ 2024’ યોજાયો. આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ દ્વારા આયોજિત હતો.
દસ્ક્રોઈમાં કણભા-2, કુહા-1, જેતલપુર-2, માંડલમાં વિઠલાપુર, ધોળકામાં ધમમકવાડી અને ત્રાષદ, સાણંદના કુંડલ, વિરમગામના મણિપુરા અને ધંધુકામાં યોજાયેલા પોષણ ઉત્સવમાં સગર્ભા બહેનો અને કિશોરીઓ માટે આરોગ્ય અને પોષણ અંગેની માહિતી અપાઈ.
ઉત્સવમાં ટેક હોમ રેશનના ફાયદા અને મિલેટ્સના ઉપયોગથી મળતા પોષક તત્ત્વો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને પૌષ્ટિક ખોરાકમાં સરગવો અને મિલેટ્સનો સામાવેશ કેવી રીતે કરવો, તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં અનુભવી મહિલાઓએ વિસરાતી જતી પરંપરાગત વાનગીઓ અને આહાર પદ્ધતિઓ પર પ્રકાશ નાખ્યો. વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું, જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શાળાના શિક્ષકો, આઈસીડીએસ સ્ટાફ તેમજ વિભિન્ન લાભાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.










