GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદાના કુરેલીયા ગામે શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીના વ્યવસ્થાપન વિષય પર જિલ્લાકક્ષાનો સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો

નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા વાંસદા તાલુકાના  કુરેલીયા ગામ ખાતે ‘શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીના વ્યવસ્થાપન’ વિષય ઉપર જિલ્લા કક્ષાનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાના ૩૬૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાએ ઉપસ્થિત ખેડૂતોને બાગાયત ખેતી માટે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું અને શાકભાજીની ખેતીમાં વૈજ્ઞાનિકો દ્વારા જણાવ્યા મુજબ રોગ-જીવાત નિયંત્રણના પગલા લઈને નફાકારક ખેતી થાય તે માટે ભાર આપ્યો હતો. નવસારી જિલ્લા માટે બાગાયતી પાકો વધુ અનુકૂળ હોય નાના ખેડૂતો બાગાયતી પાકોનું વધારે વાવેતર કરે અને આર્થિક રીતે સમૃદ્ધ બને તથા બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત વિવિધ ગામોમાંથી હાજર રહેલા ખેડૂતોના પ્રશ્નો સાંભળીને તેના નિવારણ માટે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.

સેમિનારમાં નવસારી કૃષિ યુનિ.ના સંશોધન વૈજ્ઞાનિક ડો.જીમી વશી દ્વારા શાકભાજી પાકો માટે ધરૂ ઉછેર, રોપણી અને વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી  હતી અને ડો.નિલેશ કાંવટ દ્વારા શાકભાજી પાકોમાં રોગ-જીવાત નિવારણના પગલાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નાયબ બાગાયત નિયામક ડી. કે. પડાળીયા દ્વારા શાકભાજી પાકો ખેતી માટે માવજત અને બદલાતા હવામાન સામે જરુરી પગલા લેવા માટે ભાર આપવામાં આવ્યો હતો તથા બાગાયત ખાતામાં ચાલતી વિવિધ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
Kay bee એક્સપોર્ટના પ્રતિનિધિ દ્વારા બાગાયતી પાકો માટે એક્સપોર્ટ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તથા પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી મનુભાઈ દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને પોતાના સુખદ અનુભવો કહી પ્રેરણા આપી હતી.
શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીના વ્યવસ્થાપન વિશે ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને બાગાયત કચેરીના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કૃષિ વૈજ્ઞાનિકો તથા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં  ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!