Navsari: ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ નવસારીની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*સમિતિએ નવસારી ખાતે નિર્માણ પામી રહેલા પૂર્ણા તથા વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમની સાઈટની મુલાકાત સહ નિરીક્ષણ કર્યું*

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ આજે નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલા પ્રોજેકટોમાં નવસારી ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર તથા બીલીમોરા ખાતે વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર ડેમની સ્થળ મુલાકાત કરીને હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી તથા સર્વ સભ્યોનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતના સિંચાઈ વર્તુળ અધિક ઈજનેર એસ બી દેશમુખ અને નવસારી ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ સી પટેલે પ્રોજેકટની વિગતવાર માહિતી આપતા સમિતિ પ્રોજેક્ટના કાર્યથી પ્રભાવિત થઈ હતી. ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં ચૂંટાયેલા ધારાસભ્યઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીની સાથે કુલ ચાર સભ્યો પૈકી દાંતાના ધારાસભ્યશ્રી કાન્તિભાઈ ખરાડી, દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી અને વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી અને છોટા ઉદયપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મુલાકાતમાં જોડાયા હતા. નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટની મુલાકાતમાં કાર્યપાલક ઇજનેર એમ સી પટેલે સમિતિના અન્ય સભ્યોને પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ થકી નવસારી શહેર અને આસપાસના ગામોમાં પાણીની સમસ્યાના ઉકેલ તથા ગામોના લોકોને થનારા ફાયદાથી માહિતગાર કર્યા હતા. સમિતિના સભ્યોની આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, નવસારી ડ્રેનેજના અધિકારીઓ, તથા પૂર્ણા રેગ્યુલર ડેમ પ્રોજેકટના ટેકનીશયન સાથે જોડાયા હતા.





