એ-ડિવિઝન પોલીસે દબાણ દૂર કર્યા:ભરૂચના સેવાશ્રમ માર્ગ પર ટ્રાફિકના અડચણ રૂપ ઊભી રાખતા 34 લારી ધારકો સામે ગુના નોંધાયા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના સેવાશ્રમ માર્ગ પર જાહેર માર્ગ પર અડિંગો જમાવી ફૂટ અને શાકભાજીની લારીઓ મૂકી રાખીને વેચાણ કરતા હતા.જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફો પડતી હોય ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા 34 લારીવાળા સામે ગુનો નોંધીને કાયદસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ભરૂચ શહેરના સેવાશ્રમ માર્ગ ઘણા સમયથી લારી ધારકોએ અડ્ડો બનાવી દીધો હોય તે રીતે પોતાની ફ્રૂટ અને શાકભાજી ની લારીઓ ઊભી રાખીને વેચાણ કરતા હતા. જેના કારણે તેમની પાસે ખરીદી કરવા આવતા વાહન ચાલકો પણ પોતાના વાહનો માર્ગ પર ઊભા રાખી દેતાં જાહેરમાર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.આ લારી ચાલકોએ પોલીસ દ્વારા અનેક વખતે દંડનીય કાર્યવાહી પણ કરી સૂચના આપીને જવા દીધા હતા.તેમ છતાંય આ લારી ધારકો ત્યાંથી લારીઓ નહી હટાવતા વાહન ચાલકોની બૂમો ઉઠી હતી.
જેથી ગતરોજ એ ડિવિઝન પીઆઈ વી.યુ.ગદરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારના પોલીસ સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવમાં નિકળેલા હતા તે દરમ્યાન ફરતા સેવાશ્રમ રોડ ઉપર પહોંચતા સેવાશ્રમ હોસ્પિટલથી રિલાયન્સ મોલ તરફ જવાના રોડ ઉપર ફ્રૂટ તથા શાકભાજી ની લારીઓ વાળાની લારીઓ રોડ ઉપર આવતા જતા રાહદારીઓને ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે રોડ ઉપર ઉભી રાખી હતી.જેથી પોલીસે સેવાશ્રમ વિસ્તારમાં ઊભેલી 34 લારી ધારકોની લારીઓ કબ્જે કરીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેના કારણે ટ્રાફિકને અડચણ રૂપ લારીઓ લઈને ઊભા રહેતા લારી ધારકોમાં ફફડાટ ફેલાયો છે.




