GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરમાં ત્રણ બાળ શ્રમિકોને મજૂરીમાંથી મુક્ત કરાવતી એ.એચ.ટી.યુ.ની ટીમ

તા.૧૧/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

બાળ શ્રમિકોને ‘સ્પેશિયલ હોમ ફોર બોયઝ’માં આશ્રય અપાયો : પોલીસ તથા શ્રમ ખાતાની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરાઈ

Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, એડીશનલ પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડીયા, ડી.સી.પી. ક્રાઈમશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એ.સી.પી. ક્રાઈમશ્રી ભરત બસીયાનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર એ.એચ.ટી.યુ. ટીમ દ્વારા બાળ મજુરી નાબુદી અન્વયે કામગીરી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે પોલીસ દ્વારા બે ટીમો બનાવીને રેસકોર્સ રીંગરોડ ફરતે, રેસકોર્સ મેદાનમાં તથા અન્ય જગ્યાઓ પર બાળ મજૂરી બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રેસકોર્સ રીંગ રોડ ફરતે ત્રણ બાળ શ્રમિકો મમરી ધાણીનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. આ બાળ શ્રમિકોને શ્રમ અધિકારીશ્રીએ રૂબરૂમાં પૂછતા, તેમણે જણાવ્યું કે રાજા બાબુએ અમને મજૂરી માટે રાખેલા છે. આ મજૂરી બદલ એક બાળ શ્રમિકને રૂ. ૬૦૦૦ માસિક વેતન તથા બીજા બે બાળ શ્રમિકોને કુલ રૂ. ૮૦૦૦ માસિક વેતન આપતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

આ ત્રણ બાળ શ્રમિકો પાસે રાજા બાબુ સાંજના ચાર વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી કામ કરાવતા હતા. રેકડીમાં મમરી-ધાણી ભરીને બાળ શ્રમિકોને રેકડી આપી દેવામાં આવતી હતી. બાળ શ્રમિકો એકલા ઘરેથી રેકડી ચલાવીને રેસકોસ રીંગ રોડ પર વેચાણ કરતા હતા. રાત્રે વેચાણ પૂર્ણ કરી દિવસનો જે વેપાર થાય, તે કમાણી રાજા બાબુને આપી દેતા હતા.

બાળ શ્રમિકોને મજૂરીએ રાખનારા રાજા બાબુને પકડીને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ચાઈલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. તેમજ બાળ શ્રમિકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ‘સ્પેશિયલ હોમ ફોર બોયઝ’માં આશ્રય અપાયો છે.

આ કામગીરીમાં પી.આઈ.શ્રી ભાર્ગવસિંહ ઝણકાટ, શ્રમ અધિકારીશ્રી ડો. ડી.બી.કાનાણી, શ્રમ અધિકારીશ્રી અંકિતભાઈ ચંદારાણા, લીગલ ઓફિસરશ્રી અજયભાઈ મકવાણા, બાળ સુરક્ષાના સમાજ સેવકશ્રી જયદીપભાઇ ગોહેલ તથા પી.એસ.આઈ.શ્રી એચ. એન. ગઢવી, પી.એચ.આઈ.શ્રી પી.કે.પઢીયાર તથા પી.એચ.આઈ.શ્રી બી. આર. સાવલીયા તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો.

ઉલ્લેખનીય છે કે નાગરિકોને બાળશ્રમિકો દેખાય અથવા તો બાળકો ભીક્ષા કરતા ધ્યાનમાં આવે તો એ.એચ.ટી.યુ.ની ટીમનો સંપર્ક કરવા પ્રદ્યુમનનગર પોલીસ મથકની યાદીમાં અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!