ગોધરામાં બે વર્ષની પાણીની સમસ્યાનો અંત આવ્યો માર્કેટિંગ યાર્ડ અને રાણા સોસાયટીમાં નવા જોઈન્ટ લગાવી પાણી પુરવઠો શરૂ કર્યો લોકોએ હાશકારો લીધો.

ગોધરા
નિલેશભાઈ દરજી ગોધરા
ગોધરા :
ગોધરા શહેરના વોર્ડ નંબર-4 માં આવેલા માર્કેટિંગ યાર્ડ અને રાણા સોસાયટી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ચાલી આવતી પીવાના પાણીની સમસ્યાનો આજે અંત આવ્યો છે. સ્થાનિક નગરપાલિકા સભ્ય રાકેશભાઈ રાણાએ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને પાણી પુરવઠા વિભાગના ચેરમેન સમક્ષ કરેલી રજૂઆતને પગલે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે.
નગરપાલિકાની પાણી પુરવઠા વિભાગની ટીમે આજે વિસ્તારમાં પાણીની લાઈનમાં નવા જોઈન્ટ લગાવીને પૂરતા પ્રમાણમાં પાણી સપ્લાય શરૂ કર્યો છે. અગાઉ આ વિસ્તારના રહીશોએ અનેક વખત નગરપાલિકા તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. પાણીની અપૂરતી સપ્લાયને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડતી હતી.
આજે નગરપાલિકાની ટીમે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને પાણીની લાઈનમાં જોઈન્ટ લગાવી દેતા હવે આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળવાનું શરૂ થયું છે. આ કામગીરીથી સંતુષ્ટ થયેલા સ્થાનિક રહીશોએ નગરપાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. આમ, બે વર્ષ જૂની સમસ્યાનું નિરાકરણ આવતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.






