GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે, સાંસદ શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ: ૧૬ દેશોના પતંગબાજો જોડાયા

તા.૧૨/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

પતંગ માનવીને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાઈને ઉડવાની શીખ આપે છે.સાંસદ શ્રી પરશોત્તમ રૂપાલા

Rajkot: સાંસદ શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના હસ્તે રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’નો શુભારંભ થયો હતો.

આ તકે સાંસદશ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તળપદા તહેવાર ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ સુધીની ગરિમા સુધી પહોંચાડ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ યોગ, ધ્યાન, ઉત્તરાયણ જેવા આપણા સાંસ્કૃતિક પર્વોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. તેમણે પતંગોત્સવ થકી ઉદ્યોગ, રોજગારી અને પ્રવાસનને વેગ આપ્યો છે.

આ સાથે પતંગ થકી જીવનની શીખને સમજાવતા સાંસદશ્રીએ કહ્યું હતું કે, પતંગ માનવીને પોતાના મૂળ સ્ત્રોત, પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાની શીખ આપે છે, તે ઉપદેશ આપે છે કે, જયાં સુધી આપણે મૂળ સાથે જોડાયેલા છીએ ત્યાં સુધી જ ઉડાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસ્કૃતિનું જોડાણ તૂટતા આપણી પતંગ કપાઈને જમીન દોસ્ત થઈ જાય છે.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નયનાબેન પેઢડીયાએ આગામી મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, રંગીલા શહેર રાજકોટમાં રંગીલો પતંગોત્સવએ અભૂતપૂર્વ નજારો બની રહેશે ત્યારે જીવનમાં પણ પતંગ અવનવું શીખવી જાય છે જેમ કે, સહકાર,સંપ, કરુણા જેવા પતંગોને ચગાવી જીવનને ઉન્નત લઈ જવું અને મોહ,કામ,ક્રોધ જેવા પતંગોને કાપીને તેનાથી દૂર થવું એ ઉતરાયણ પર્વ માનવને શીખવી જાય છે.

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫’માં નેધરલેન્ડ, વિયેતનામ, ઈટલી, સ્પેન, ગ્રીસ, પોલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, પોર્ટુગલ, સાઉથ આફ્રિકા, યુ. એસ., રશિયા, લિથુઆનિયા જેવા ૧૬થી વધુ દેશોના અને પંજાબ, રાજસ્થાન રાજ્યના પતંગબાજોએ ભાગ લઈ અવનવા કરતબો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકરે સ્વાગત પ્રવચન દ્રારા સર્વનું સ્વાગત અભિવાદન કર્યુ હતું. આર.એમ.સી. કમિશનર શ્રી તુષાર સુમેરાએ વિદેશથી પધારેલા પતંગબાજોને ભારતીય સંસ્કૃતિમાં પતંગોત્સવના મહત્વ વિશેની જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વ શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી દર્શિતાબેન શાહ, દંડક શ્રી મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિક્રમભાઇ પુજારા, અગ્રણી શ્રી મુકેશભાઈ દોશી, કોર્પોરેટરશ્રીઓ અને રાજકોટના નાગરિકો બહોળી સંખ્યામાં સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બોકસ:

” પતંગ ઉત્સવ પ્રસંગે રાજકોટ પધારેલા નેધરલેન્ડના પતંગબાજ શ્રીમાન પીટરે ગુજરાતમાં પતંગ ઉત્સવમાં પધારીને થતી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી, તેમણે રાજકોટ શહેરને સુંદર જણાવી પતંગોત્સવમાં આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉત્સવમાં વિદેશથી પધારેલા પતંગબાજો પણ ગુજરાતી ગીતો પર ઝૂમ્યા હતા. “

Back to top button
error: Content is protected !!