BHARUCHGUJARAT

ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ:અંકલેશ્વરમાં વાસણની દુકાનની આડમાં ચાલતું કૌભાંડ, ભરૂચ SOGએ 7300નો મુદ્દામાલ જપ્ત કર્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં ચાલતાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે મીરાનગર વિસ્તારમાં આવેલા ‘ખુશી વાસણ ભંડાર’ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનના માલિક રામનિવાસ ઉર્ફે ચીન્ટુ વાસણની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે દરોડા દરમિયાન કાપશોન કંપનીની 15 કિલોની એક ખાલી અને ત્રણ ભરેલી બોટલો, 5 કિલોની ચાર ભરેલી અને ત્રણ ખાલી બોટલો, એક વજન કાંટો અને ગેસ રીફિલિંગ પાઈપ સહિત કુલ રૂ. 7,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી એક ગેસ બોટલમાંથી બીજી બોટલમાં અત્યંત જોખમી રીતે ગેસનું રિફિલિંગ કરતો હતો, જે લોકોની જિંદગી માટે ખતરારૂપ હતું.
આ ગંભીર પ્રકારના ગુના બદલ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ IPC કલમ 287 અને 125 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

Back to top button
error: Content is protected !!