
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની મુળ વતની એવી ઓપીના ભીલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખો-ખો રમતમા પોતાનુ નામ રોશન કરતા ‘વર્લ્ડ કપ ૨૦૨૫’ ની પ્રથમ મેચમા સાઉથ કોરિયા સામે પદાર્પણ કર્યું છે.
ખો ખો વર્લ્ડ કપના બીજા દિવસે વુમન્સ ટીમની પ્રથમ મેચ સાઉથ કોરિયા સામે રમાઈ હતી. જે ભારતીય મહિલા ટીમે રેકોર્ડ બ્રેક માર્જિનથી જીતી લીધી હતી. આ મેચમા ભારતીય ટીમે ૧૭૫ અંક કબ્જે કર્યા હતા. જ્યારે સાઉથ કોરિયાની ટિમ માત્ર ૧૮ અંકો જ પ્રાપ્ત કરી શકી હતી. આ મેચમા ગુજરાત ખો ખો ટીમની કેપ્ટન એવી કુ.ઓપીના ભિલાર પણ ટીમનો હિસ્સો હતી.
દિલ્હીથી દુરવાણી ઉપર વાત કરતા ડાંગની આ યુવતિએ આજે એટલે કે તા.૧૫મી એ સાંજે ઈરાન સામે, અને આવતી કાલ એટલે કે તા.૧૬મી ની સાંજે મલેશિયા સામે પણ તેનુ બેસ્ટ પરફોર્મન્સ આપવા તે તૈયાર છે તેમ કહ્યુ હતુ. ઓપીના સહિત ટીમના તમામે તમામ ખેલાડીઓ ખૂબ ઉત્સાહ સાથે મહેનત કરી રહ્યા છે તેમ જણાવતા તેણીએ, તેની ટીમના કોચ શ્રી સુમિત ભાટિયા અને તેણીના ગુજરાતના કોચ શ્રી સુનિલ મિસ્ત્રી તેને સતત માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે, તેમ ઉમેર્યું હતું.





