Rajkot: રાજકોટના ભાયાવદર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો
તા.૧૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૪૦૦થી વધુ કુમારો અને કન્યાઓને આત્મનિર્ભર બનવા દિશા નિર્દેશન કરાયું
Rajkot: સરકારે ગુજરાતના બાળકોના શ્રેષ્ઠ ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ અમલીકૃત કરી છે. જે અન્વયે વિદ્યાર્થીઓ પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે રાજકોટના ભાયાવદર ગામની મ્યુનિસિપલ બોયસ હાઇસ્કુલ અને કન્યા તાલુકા શાળા ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ, વ્યવસાયિક સંસ્થા અમદાવાદ(રાયખડ)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રોજગાર કચેરી રાજકોટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં બંને શાળાના ધોરણ ૯ થી ૧૨ના કુલ મળીને આશરે ૪૦૦થી કુમારો અને કન્યાઓને આત્મનિર્ભર બનવા દિશા નિર્દેશન કરાયું હતું.
આ પ્રસંગે બી.આર.સી. શ્રી વિજયભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવા અંગે જણાવ્યું હતું. તથા ધો.૧૦ અને ૧૨ પછી કારકિર્દી દિશા ઘડતર માટે પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માહિતી મદદનીશશ્રી રિધ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અંગે પ્રશ્નો પૂછીને પરસ્પર સંવાદ કરીને મનોરંજન સાથે માહિતી પૂરી પાડી હતી. વધુમાં તેઓએ ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતું ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગેની વિગતવાર માહિતી આપી હતી. અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. ઉપરાંત, સ્કૂલની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપી હતી.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણીએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે તેઓએ પોતાના રસના વિષયો પર વધુ કામ કરવા તેમજ જીવનમાં દરેક પરિસ્થિતિ સામે લડવા મજબુત મનોબળ રાખવા અનેક કિસ્સાઓના માધ્યમથી સમજાવ્યું હતું. વધુમાં તેઓએ શિક્ષણ, આત્મનિર્ભરતા અને કારકિર્દીના મહત્વ અંગે ખુબ જ ઊંડાણપૂર્વક વિદ્યાથીઓને સમજાવ્યું હતું. રમતગમત, વિજ્ઞાન, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સંઘર્ષ કરીને સફળતા હાંસિલ કરેલા મહાનુભાવોના ઉદાહરણ આપીને ઉપસ્થિત સર્વેને પ્રેરિત કર્યા હતા.
આ તકે રોજગાર કચેરીના કરિયર કાઉન્સિલરશ્રી રાજેશભાઈ ચૌહાણે હાલની સાંપ્રત પરિસ્થિતિમાં તાલીમ અને રોજગાર માટે મહિલાઓ અને પુરુષો માટે સમાન તકો ઉપલબ્ધ થઇ રહી છે, તેમ જણાવી આઈ.ટી.આઈ.ના વિવિધ કોર્ષની વિગતવાર માહિતી આપી હતી. ઊપરાંત, એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે પણ જાણકારી આપી હતી.
રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસરશ્રી પ્રવીણભાઈએ વિદ્યાર્થીકાળમાં ઉપયોગી શિસ્ત, એકાગ્રતા અને લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કારકિર્દી લક્ષી આયોજન કરવા અંગે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા, શિક્ષક અને પોતાના જીવનને યોગ્ય દિશા તરફ વાળીને ઋણ ચૂકવવા અનેકવિધ પ્રયત્નો કરવા જોઈએ.
આ તકે મ્યુનિસિપલ બોયસ હાઇસ્કુલના પ્રિન્સીપાલશ્રી અસરફ મકરાણી, કન્યા શાળાના પ્રિન્સીપાલશ્રી જયશ્રીબેન જાવિયા, બી.આર.પી.શ્રી આરતી માલવીયા, શિક્ષકશ્રીઓ સહિત મોટી સંખ્યા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.