Rajkot: રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ના બોર્ડ ઓફ ડિરેક્ટરર્સની સાત બેઠકોની ચૂંટણી જાહેર

તા.૧૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૧૦થી ૧૫ ફેબ્રુ. દરમિયાન ફોર્મ ભરી, રજૂ કરી શકાશેઃ જરૂર પડ્યે ૩જી માર્ચે ચૂંટણી
Rajkot: રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરર્સની સાત બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ, ઉક્ત સંઘના ચૂંટણી સત્તાધિકારી તથા રાજકોટ શહેર સ્ટેમ્પ ડ્યૂટીના નાયબ કલેક્ટર શ્રી ડી.વી. વાળા દ્વારા કરવામાં આવ્યો છે.
શ્રી ડી.વી. વાળાએ જારી કરેલા હુકમ મુજબ, માલ રૂપાંતર મંડળીઓના મતદાર વિભાગની એક બેઠકની ચૂંટણી યોજાશે. જ્યારે ખેતી વિષયક અને સેવા સહકારી મંડળીઓના મતદાર વિભાગની છ બેઠકની ચૂંટણી યોજાશે. જેમાં વિભાગ-૧માં ગોંડલ, કોટડા સાંગાણી, લોધિકા તાલુકાની સહકારી મંડળીઓની એક બેઠક, વિભાગ-૨માં જસદણ, વિંછિયા, રાજકોટની એક બેઠક, વિભાગ-૩માં જેતપુર, જામ કંડોરણાની એક બેઠક, વિભાગ-૪માં ધોરાજી, ઉપલેટાની એક બેઠક, વિભાગ-૫માં મોરબી, ટંકારા તાલુકાની એક બેઠક, વિભાગ-૬માં વાંકાનેર, પડધરી, માળિયા તાલુકાની એક બેઠકનો સમાવેશ થાય છે. આમ કુલ સાત બેઠકોની ચૂંટણી થશે.
આ ચૂંટણી માટે ૧૦થી ૧૫મી ફેબ્રુઆરી દરમિયાન, સવારે ૧૧થી ૧૫ કલાક સુધીમાં, રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી ખાતેથી ઉમેદવારી પત્રો મેળવી શકાશે તથા રજૂ કરી શકાશે. આ જ દિવસોમાં રોજ બપોરે ૧૫ કલાક પછી મળેલા ઉમેદવારીપત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે.
૧૭મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી ૧૮મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થશે. ૧૯ તથા ૨૦ ફેબ્રુઆરી દિવસ દરમિયાન ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. ૨૧મી ફેબ્રુ.એ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે.
મતદાન જરૂરી હોય તો, ૩ માર્ચના રોજ સવારે ૯થી બપોરે ૧૩ કલાક સુધીમાં રાજકોટ દક્ષિણ મામલતદારની કચેરી ખાતે થશે.મતગણતરીની કાર્યવાહી ૩ માર્ચના રોજ બપોરે ૧૫ કલાકથી શરૂ થશે. આ મતગણતરી પૂર્ણ થયા બાદ તુરંત જ મતદાનનું પરિણામ જાહેર કરાશે. ચૂંટણી અંગેની તમામ કામગીરી જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં થશે, તેમ રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ના સત્તાધિકારીની યાદીમાં જણાવાયું છે.


