GUJARATRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટા શહેરમાં દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ અને યુ.ડી.આઇ.ડી. કાર્ડ કેમ્પ યોજાયો

તા.૨૦/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

૭૫૫ લોકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો : ૧૨૬ લાભાર્થીઓને સહાયક ઉપકરણો આપવા પસંદ કરાયા

આધાર કાર્ડ, આવકના દાખલા, ઈ.એન.ટી., મેન્ટલ હેલ્થ સહિતના સ્ટોલમાં સ્થળ પર જ સેવાનો લાભ અપાયો

Rajkot, Upleta: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલેટા શહેરમાં પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે તા. ૨૦ જાન્યુઆરીના રોજ દિવ્યાંગોના લાભાર્થે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ અને યુ.ડી.આઇ.ડી. કાર્ડ કઢાવવાનો કેમ્પ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સરકારની સ્કીમ ઓફ આસીસ્ટંટ ટુ ડિસેબલ્ડ પર્સન્સ ફોર પરચેસ / ફીટીંગ ઓફ એઇડ / એપ્લાયન્સ (A.D.I.P.) સ્કીમના માધ્યમથી એલીમ્કો (ALIMCO APC)ના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું હતું.

જેમાં અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી, એમ દિવ્યાંગતાની ચાર કેટેગરીના લાભાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાઈસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડીંગ સ્ટિક સહિતના સહાયક ઉપકરણો આપવા માટે પસંદ કરાયા હતાં. તેમજ લાભાર્થીઓને આધાર કાર્ડ, મતદાર યાદી સ્લીપ એક્ટીવીટી, ઈ-કે.વાય.સી., આવકના દાખલા, સરકારી વિવિધ સહાય, નશામુક્ત ભારત, યુ.ડી.આઈ.ડી. કાર્ડ, ઈ.એન.ટી., મેન્ટલ હેલ્થ સહિતના સ્ટોલમાં સ્થળ પર જ સેવાનો લાભ અપાયો હતો.

આ કેમ્પમાં કુલ ૭૫૫ લોકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. મેન્ટલ હેલ્થના ૯૪, ઈ.એન.ટી.ના ૨૫, ઓર્થોપેડિકના ૨૬૭ અને ઓપ્થેલ્મોલોજીના ૬૭ દર્દીઓએ આરોગ્ય તપાસ કરાવી હતી. યુ.ડી.આઈ.ડી. કાર્ડના ૧૦૨ લાભાર્થી (૬૦ જુના અને ૪૨ નવા)એ પણ કેમ્પનો લાભ લીધો છે. આ કેમ્પમાં કુલ ૭૪ જેટલા આવકના દાખલા (૩૪ નગરપાલિકા અને ૪૦ તાલુકા પંચાયત દ્વારા), ૫૫ જેટલા આભા કાર્ડ અને ૨૭ જેટલા પી.એમ.જે.એ.વાય. કાર્ડ કાઢી અપાયા છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ૨૦ જેટલા લાભાર્થીઓને સહાય અપાઈ છે. તેમજ એલીમ્કો દ્વારા આ કેમ્પના ૧૨૬ લાભાર્થીઓનું એસેસમેન્ટ કરાયું હતું, તેમને આશરે કુલ ૧૩,૨૬,૫૯૫ રૂપિયાની સાધન સહાય અપાશે.

આ કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેકટરશ્રી નાગાજણ એમ. તરખાલાએ સમગ્ર કેમ્પના સુચારુરૂપે આયોજનની કામગીરી કરી હતી. મામલતદારશ્રી નિખીલભાઈ મહેતાના માર્ગદર્શનમાં રેવન્યુ વિભાગ, ડો. નયન લાડાણીના માર્ગદર્શનમાં હેલ્થ વિભાગ, ડો. ખ્યાતિ ગરેજાના માર્ગદર્શનમાં પેટા જિલ્લા હોસ્પિટલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સરજુ જેઠવાના માર્ગદર્શનમાં તાલુકા પંચાયત તથા સમાજ કલ્યાણ વિભાગની ટીમો મળી કુલ ૧૦ તબીબ તથા અંદાજિત ૧૦૦ જેટલા કમર્ચારીઓએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!