GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: નવસારી જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન ચાલશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર દેશ સહિત રાજ્ય અને નવસારી જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી રક્તપિત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-૨૦૨૫’ની થીમ ‘ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ’ છે.

આ ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ અંતર્ગત તા. ૩૦ જાન્યુઆરીના દિવસે  નવસારી જિલ્લાના દરેક ગામમાં ખાસ ગ્રામ સભા યોજવામાં આવશે અને તેમાં રક્તપિત્ત અંગે જાણકારી આપવામાં આવશે. તદુપરાંત આ ગ્રામસભામાં જિલ્લા કલેક્ટરશ્રીનો રક્તપિત નાબૂદી અભિયાનમાં અલગ અલગ રીતે જોડાવા અંગે સંદેશ વાંચન, સરપંચની અપીલ બાદ હાજર સભ્યો રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લેશે. જો કોઈ રક્તપિત્ત દર્દી ગામમાં હોય તો તેનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદના પખવાડિયા દરમિયાન સંદેશા વ્યવહારની અલગ અલગ રીતે જેમ કે ભીંતસૂત્ર, રેલી, પોસ્ટર, બેનર, સ્કૂલોમાં સ્પર્ધા, ટોક શો, ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકમાં ચર્ચા તથા આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાત દરમિયાન રૂબરૂ લોક જાગૃતિ કરવામાં આવશે. સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

૧૫ દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન ગ્રામ સભા તથા વિલેજ હેલ્થ સેનીટેશન એન્ડ ન્યુટ્રીશન કમિટીની બેઠકો કરવામાં આવશે. જેમાં રક્તપિત્તના દર્દી પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામા આવે તેમજ તેની સાથે કોઇ ભેદભાવ ના થાય તે ખાસ સંદેશ આપવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે લોકોની સહભાગીદારી માટે જિલ્લા રક્તપિત્ત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

*બોક્સ*

ચામડી પર આછા રંગનું ચાઠું હોય અને તેના પર સંવેદનાનો અભાવ હોય તો રક્તપિત્ત હોય શકે છે. માટે તપાસ કરાવવી, નિદાન અને સારવાર તદન મફત છે. વહેલા નિદાનથી હાથ, પગ કે આંખોની વિકૃતિ અટકાવી શકાય છે. સારવારનો સમયગાળો ૬ થી ૧૨ માસનો છે. પગમાં સંવેદનાનો અભાવ હોય તો માઇક્રો સેલ્યુલર રબર શૂઝ દર્દીને આપવામાં આવશે.ચાંદા પડેલ હોય તો અલ્સર કીટ વિના મુલ્યે આપવામાં આવશે. વિકૃતિની શરૂઆત હોય તો મફત ઓપરેશન કરાવી આપવામાં આવશે. આ રોગ કોઈ પાપનું પરિણામ, કોઈ બુરી નજર કે કોઈ ગ્રહ પીડાના લીધે નથી, પણ બેક્ટેરિયાથી થતો ધીમો ચેપી રોગ છે જે ચામડી અને બહારની ચેતાઓ પર અસર કરે છે. તેના દર્દીઓ પ્રત્યે સંવેદનાભર્યું વર્તન અને તેઓ સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે તેમને યથાયોગ્ય મદદ કરવી જોઈએ. રક્તપિત્ત મુક્ત સમાજના નિર્માણમાં તમારો સહયોગ મળી રહે, તે અપેક્ષિત છે. રકતપિત્તનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી શકાય છે.

Back to top button
error: Content is protected !!