Rajkot: રાજકોટની સર્વોદય તથા જીયાણા શાળામાં વિદ્યાર્થીઓને અપાઈ ટ્રાફિકના નિયમોની સમજ

તા.૨૩/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
માર્ગ સલામતી માસ અંતર્ગત વિદ્યાર્થીઓ-વાલીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા અભિયાન
Rajkot: હાલ રાજ્યમાં માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરની શ્રી સર્વોદય સ્કૂલ ખાતે આજે સવારે આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ તેમના વાલી-પરિવારના સભ્યો ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે ટ્રાફિક નિયમો લખેલી પત્રિકાઓ આપી તેમજ તમામ ટ્રાફિક નિયમો પાળવા બાબતે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ટ્રાફિક શાખાના સેક્ટર- ૩ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એસ. ગામીત. તથા પી.એસ.આઈ. એ.કે.રાઠોડ તથા પોલીસ સ્ટાફ તથા સ્કૂલના આચાર્યશ્રી તેમજ સ્કૂલના શિક્ષકો હાજર રહ્યા હતા. ઉપરાંત આજે શ્રી જીયાણા પ્રા.શાળામાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીયાણા શાળાના શિક્ષકો, ધોરણ ૫થી ૮ના ૧૫૮ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.





