પ્રજાસત્તાક દિને નશાબંધી મંડળ અમદાવાદ દ્વારા “ચૂડી-ચાંદલો” નાટક પ્રદર્શિત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: 76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે નશાબંધી મંડળ, અમદાવાદ દ્વારા પૂર્વી આર્ટ થિયેટર્સનું “ચૂડી-ચાંદલો” નાટક સાબરમતીના જવાહર ચોક ખાતે ભીલવાસમાં ભજવાયું. નાટક મ્યુનિસિપલ કાઉન્સિલર બાબુભાઈ રાણાના અધ્યક્ષ સ્થાન હેઠળ રજૂ કરવામાં આવ્યું.
નાટકમાં નશાકારક વ્યસનોના કારણે પરિવારમાં ઊભાતી આર્થિક અને સામાજિક સમસ્યાઓ તથા પેઢીના સંસ્કારો પર પડતા નકારાત્મક પ્રભાવને પ્રગટ કરવામાં આવ્યો હતો. નાટક દ્વારા નશાના વ્યસનોથી થતાં પ્રાણઘાતક પરિણામોનું દર્શન કરીને દર્શકોને ગહન સંદેશો પાઠવવામાં આવ્યા.
મ્યુનિસિપલ કાઉન્સેલર બાબુભાઈ રાણાએ પોતાના વક્તવ્યમાં દારૂને સમાજ માટે કલંકરૂપ ગણાવ્યો અને જણાવ્યું કે આ વ્યસન પરિવારોને શિક્ષણ અને સંસ્કારોથી દૂર કરી પ્રગતિમાં અવરોધ પેદા કરે છે.
પૂર્વ સંયુક્ત માહિતી નિયામક કે.એમ. ડામોરે જણાવ્યું કે આજદીન સુધી કેટલાક સમાજો અન્ય હરણફાળ ભરતાં સમાજોની હરોળમાં નથી આવ્યા તેનું મુખ્ય કારણ વ્યસનો છે. શિક્ષણ અને સંસ્કારોથી વ્યસનોને દુર કરવું શક્ય છે અને આ માટે પરિવારના સભ્યોને એકજૂથ થવું જરૂરી છે.
ભરત પંચોલી લિખિત અને દિગ્દર્શિત “ચૂડી-ચાંદલો” નાટકમાં મુકેશ જાની, અરુણા ચૌહાણ, રવિ રાઠોડ અને ભરત પંચોલી દ્વારા પ્રભાવશાળી અભિનય કરવામાં આવ્યો હતો. નાટકમાં દર્શાવાયેલા મર્મસ્થ સંદેશોએ પ્રેક્ષકોના હ્રદયને સ્પર્શ કર્યો હતો.
પૂર્વી આર્ટ થિયેટર્સના સંયોજક ભરત પંચોલી અને તેમની ટીમે નાટકના માધ્યમથી વ્યસનમુક્ત સમાજ માટેની પ્રેરણા પુરી પાડીને દર્શકોને વિચારમગ્ન કર્યા.




