NANDODNARMADA

કેવડીયા એકતા મોલમાં સ્થિત ‘ગરવી ગુર્જરી’ સ્ટોલ દ્વારા વર્ષ ૨૦૨૪માં રૂ. ૧.૨૨ કરોડથી વધુ હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનનોનું વેચાણ

કેવડીયા એકતા મોલમાં સ્થિત ‘ગરવી ગુર્જરી’ સ્ટોલ દ્વારા વર્ષ ૨૦૨૪માં રૂ. ૧.૨૨ કરોડથી વધુ હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનનોનું વેચાણ

 

એકતા મોલની ગત વર્ષે અંદાજે ૪ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ લીધી મુલાકાત

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં કેવડીયા(એકતાનગર) ખાતે વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણની સાથેસાથે અન્ય પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એકતાના પ્રતિક રૂપે ‘એકતા મોલ’ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

આ એકતા મોલમાં દેશના જુદા જુદા રાજયોમાંથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનો સાથે સંકળાયેલા બોર્ડ/નિગમ/સહકારી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવી છે. જેથી એક જ સ્થળે દેશની જુદા જુદા રાજયોની હસ્તકલા અને હાથશાળની કલા-કારીગીરીનું પ્રદર્શન દ્વારા નાગરિકોમાં એકતાનો સંદેશ આપી શકાય. આ સાથે વેચાણ દ્વારા દેશભરના કલાકારોને એકતા મોલ ખાતે રોજગારીની તકો પણ પૂરી પાડવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે એકતા મોલમાં સ્થિત ‘ગરવી ગુર્જરી’ સ્ટોલ દ્વારા ગત વર્ષ ૨૦૨૪માં રૂપિયા ૧.૨૨ કરોડથી વધુ હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનનોનું વેચાણ કરવામાં આવ્યું છે.

 

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે કાર્યરત એકતા મોલમાં કુલ ૨૦ દુકાનો તૈયાર કરવામાં આવી છે. આ મોલમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન અંદાજે ચાર લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાત રાજયની ભવ્ય ભાતીગળ, ઉત્કૃષ્ઠ હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓને નિગમના ગરવી ગુર્જરી એમ્પોરીયમ ખાતે વેચાણ માટે મુકવામાં આવી હતી. આ ઉત્પાદનોની ખરીદીમાં દેશ-વિદેશના પ્રવાસીઓએ અદભૂત રસ દાખવ્યો હતો જેના પરિણામે વર્ષ દરમિયાન રૂ. ૧.૨૨ કરોડથી વધુ વેચાણ થયું છે, જે ભારત સહિત અન્ય દેશોમાં ગુજરાતની કળા પ્રત્યેનો આદર-પ્રેમ દર્શાવે છે.

ગરવી ગુર્જરી ગુજરાતની પરંપરાગત હાથવણાટ અને હસ્તકલાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા તથા કલાતીત સુંદરતાને વૈશ્વિક મંચ પર લાવવાના તેના પ્રયાસમાં હંમેશા કાર્યરત છે. જેને એકતા મોલ, કેવડીયા ખાતે વિશેષ પ્રતિસાદ મળી રહ્યો છે. જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. વધુમાં એકતા મોલમાં કામ કરતાં જુદા જુદા રાજયોના કર્મચારીઓને રહેવા માટે પણ સુવિધાયુક્ત નવા ફ્લેટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તેમ, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!